Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ખેડૂતોની જમીન બાનમાં કે લિઝ પર લેવામાં નહીં આવે

ખેડૂતોની જમીનના સંદર્ભે કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટતા : સરકારે ખેડૂતોને ડિજિટલ બજાર આપ્યું છે જેમાં ૧ લાખ કરોડનો વેપાર, ખેડૂતોને ભ્રમિત કરાતા હોવાનો આક્ષેપ

નવી દિલ્હી, તા. : કૃષિ કાયદાને લઇ ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. બધાની વચ્ચે ભાજપે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ખેડૂત આંદોલનમાં બિન વિપક્ષી દળો પણ કૂદી પડ્યા છે. સતત ચૂંટણી હારી રહ્યા છે એટલે સરકારના વિરોધમાં ઉભા થઇ જાય છે અને પોતાના ભૂતકાળને ભૂલવાની સાથે પોતાના વચનોને પણ ભૂલી જાય છે.

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસે ૨૦૧૪ના મેનિફેસ્ટોમાં એપીએમસી એકટને સમાપ્ત કરશે એમ કહ્યું હતું. ૨૦૧૪માં કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં અંગ્રેજીમાં લખ્યું કે એપીએમસી એકટને રિપિલ કરશે અને હિન્દીમાં લખ્યું કે અમે કાયદામાં સંશોધન કરીશું જે અમે કરી રહ્યા છીએ.

વિપક્ષ પર નિશાન સાંધતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે 'હું કાયદા મંત્રી તરીકે કહી રહ્યો છું કે ના તો ખેડૂતોની જમીનને તો બાનમાં લેવામાં આવશે અને ના તો લીઝ પર લેવામાં આવશે. અમે ખેડૂતોને ડિજિટલ માર્કેટ આપ્યું છે, જેમાં એક લાખ કરોડનો વેપાર થાય છે. ખેડૂતોને ભ્રમિત કરવાની કોશિષ થઇ રહી છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, 'રાહુલ ગાંધીએ ૨૦૧૩ માં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ખેડૂત મંડીઓને મુક્ત દેવી જોઈએ. પૂર્વ કૃષિમંત્રી શરદ પવારે ઘણાં મુખ્યમંત્રીઓને એપીએમસી એક્ટ બદલીને ખેડૂત મંડીઓને મુક્ત કરવા પત્ર લખ્યો હતો.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, 'શરદ પવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો એપીએમસી એક્ટમાં ફેરફાર કરવામાં આવશે તો અર્થવ્યવસ્થાને અસર થશે. અખિલેશ યાદવ આપને યાદ અપાવીશું કે કૃષિ સંબંધિત બાબતોની સંસદીય સમિતિમાં તમારા પિતા અને સમાજવાદીઓના અંતિમ અવાજ મુલાયમસિંહ યાદવે પણ એમ કહ્યું હતું કે ખેડૂતોને મંડી કલચરમાંથી બહાર આવવાની જરૂર હતી.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ખેડૂત સંગઠનો ભલે વિપક્ષી દળોને ના બોલાવતા હોય પરંતુ છતાંય તેઓ હજી જવા માંગે છે.

વિવિધ રાજ્યોએ ખેડૂતોની આવક વધારવા માટે સમયાંતરે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને લાગૂ કર્યો. તેમાં મોટાભાગના રાજ્યો કોંગ્રેસ શાસિત રાજ્યો હતા. યોગેન્દ્ર યાદવે ૨૦૧૭ માં ટ્વિટ કર્યું હતું કે એપીએમસી એક્ટમાં કેમ ફેરફાર થઇ રહ્યો નથી.

(7:10 pm IST)