Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

હું સેવાદાર તરીકે આવ્યો છું: ભારતબંધને આપનું સમર્થન

સિંધુ બોર્ડર પર પહોંચેલા કેજરીવાલે ખેડુતોની દરેક માંગનું કર્યુ સમર્થન

નવી દિલ્હી, તા.૭: દિલ્હીની સરહદ પર ખેડૂતોનો વિરોધ પ્રદર્શન સતત ચાલુ છે. સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિંધુ બોર્ડર પહોંચ્યા હતા. જયાં મોટી સંખ્યામાં ખેડૂતો અડેલા છે. અરવિંદ કેજરીવાલે અહીં ખેડૂતો દ્વારા મંગળવારે અપાયેલા ભારત બંધના એલાનનું સમર્થન કર્યું છે.

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે ખેડૂતોની દરેક માંગનું સમર્થન કરીએ છીએ. ખેડૂતોના મુદ્દા અને સંધર્ષનું નિરિક્ષણ કરી રહ્યા છીએ. દિલ્હી સરકાર અને અમારી પાર્ટી ખેડૂતોના સંદ્યર્ષમાં સાથે છે. જયારે ખેડૂતો બોર્ડર પર આવ્યા હતા તો કેન્દ્ર અને દિલ્હી પોલીસે અમારી પાસે દિલ્હીના ૯ સ્ટેડિયમને જેલ બનાવવાની પરવાનગી માંગી હતી.

દિલ્હી સીએમે કહ્યું કે અમારી ઉપર દબાણ બનાવવામાં આવ્યું હતું પરંતું અમે કોઈ પરવાનગી આપી નહી. અમારી સરકાર, પાર્ટી સતત સેવાદારની જેમ ખેડૂતોની સેવામાં લાગી છે. હું સેવાદાર તરીકે આવ્યું છું અને ખેડૂતોની સેવા કરવા આવ્યો છું. ખેડૂતો સતત મહેનત કરીને અનાજ પકવે છે તેવામાં આપણી ફરજ બને છે કે આપણે ખેડૂતોની સેવા કરીએ.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અહીં ખેડૂતોની મુલાકાત કરી ખેડૂતો માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેનું નિરિક્ષણ કર્યુ અને દરેક શકય મદદ કરવાનો ભરોસો આપ્યો છે. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ અહીં ખેડૂતોને મળ્યા બાદ કહ્યું કે ખેડૂતોને જે સેવા મળી રહી છે અમે તેનું નિરિક્ષણ કરવા આવ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે તેઓ દેશ માટે બેઠા છે. જો કોઈ ખેડૂતને કોઈ સમસ્યા હોય તો દેશની તમામ પાર્ટીને સપોર્ટ કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે તે આ પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ સિંધુ બોર્ડર પર આવ્યા હતા અને ખેડૂતોની મુલાકાત કરી હતી. આમ આદમી પાર્ટી જાહેરાત કરી ચૂકી છે કે તે તે ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનનું સમર્થન કરી રહી છે અને ૮ ડિસેમ્બરે દેશમાં પ્રદર્શન કરશે.

ઉલ્લેખનીય છે કે ખેડૂતોના સમર્થનમાં ૧૧ પક્ષોએ નિવેદન જારી કર્યું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, પીએજીડી, એનસીપી, સીપીઆઈ, સીપીએમ, સીપીઆઈ (એમએલ), આરએસપી, આરજેડી, ડીએમકે, અને એઆઈએફબીએ ખેડૂતો ની માંગ પૂરી કરવા અને કૃષિ કાયદા ૨૦૨૦ માં સુધારો કરવાની માંગણી કરતું નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે ખેડૂતો ની સાથે ઉભા છીએ, ખેડૂત સંગઠનોની ચાલુ લડત અને તેમના ભારત બંધની જાહેરાતને અમે સમર્થન આપીએ છીએ.

(3:32 pm IST)