Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

રણની અજબ લીલા : ૩૧ વર્ષથી રેતીમાં દફન સ્ટેશન રેતી ઉડતા દેખાયું

બાડમેર, તા.૭ : તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એક રેલ્વે સ્ટેશનના આખા મકાન પર એટલી રેલી છવાઇ ગઇ કે ધીમે ધીમે તે આખું રેતીમાં દટાઇ ગયું. ૧૯૯૦માં રેતીમાં દટાઇ ગયેલ આ મકાનની છત હાલતમાં જ ઉઠેલી આંધીઓ પછી રેતી ઉડી ગઇ તો દેખાવા લાગી.

મોટી ઉંમરના વડીલો આ બાબતે જાણે છે, પણ નવી પેઢી માટે આ એક અચરજ છે કે રેલ્વે સ્ટેશનનું આખુ બિલ્ડીંગ રેતીના એક ટીલા નીચે દબાયેલું છે. ૧પ ફુટ ઉંચુ રેલ્વે સ્ટેશનનું આ આખું મકાન અને ચાર નિવાસ સ્થાનો દટાયેલા છે. બાડમેર-મુનાવાવ રેલ માર્ગ પર આવેલ ખડીન ગામમાં આ સ્ટેશન આઝાદી પહેલા બનાવાયું હતું. ભાગલા પહેલા અહીં જોધપુરથી કરાંચી અને સાદીપલ્લી પાકિસ્તાન સુધીની ટ્રેનો ચાલતી હતી. આઝાદી પછી આ રેલમાર્ગ બંધ થઇ ગયો હતો.

૧૯૭૮ આસપાસ આ રેલ્વે સ્ટેશન રેતીમાં દટાવાનું શરૂ થયું હતું. ૧૯૯૦ સુધીમાં આખું બિલ્ડીંગ રેતીના ટીલામાં સમાઇ ગયું હતું.  પછી ર૦૦૬માં જયારે આ ટ્રેકને મીટર ગેજમાંથી બ્રોડગેજમાં બદલાવાયો ત્યારે રેલ્વેએ બીજુ સ્ટેશન પણ બનાવી દીધું હતું. હાલમાં આંધીઓના કારણે રેતીના ટીલાએ જગ્યા બદલી તો પહેલીવાર આ સ્ટેશનનો થોડોક ભાગ દેખાયો. જયારે તપાસ કરાઇ તો જાણવા મળ્યું કે અહીં તો આખું સ્ટેશન બીલ્ડીંગ દટાયેલું છે. હવે ધીરે ધીરે આ બિલ્ડીંગની છત દેખાવા લાગી છે.

(2:53 pm IST)