Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

સતત વધતો જાય છે વિસ્તાર

૧૦ દિવસમાં ૧૦ થી વધુ રાજ્યોમાં ફેલાયું કિસાન આંદોલન

સોનીપત,તા. ૭: કૃષિ કાનૂનોને રદ કરાવવા માટે ૧૦ દિવસ પહેલા પંજાબના ખેડૂતોએ દિલ્હી કુચ કરતા આંદોલન શરૂ કર્યું ત્યારે કદાચ ત્યાંના ખેડૂતોએ વિચાર્યું પણ નહીં હોય કે આ આંદોલન આવડુ મોટુ આંદોલન બની જશે. ખેડૂતોના આ આંદોલનની આગ ફકત દસ દિવસમાં ૧૦થી વધારે રાજ્યોમાં ફેલાઇ ગઇ છે અને  એ બધા રાજ્યોમાં પણ આંદોલન શરૂ થઇ ગયા છે.

ખેડૂતો ફકત પોતાના રાજ્યની અંદર જ આંદોલન નથી કરી રહ્યા પણ આ રાજ્યોમાંથી સિંધુ બોર્ડર પર પણ પહોંચી રહ્યા છે. અને આમ આ ખેડૂત આંદોલનનો વ્યાપ વધતો જાય છે.કૃષિ કાનૂનોને રદ કરવા માટે દિલ્હી કૂચનો પડકાર દસ દિવસ પહેલા પંજાબના ખેડૂતોએ ફેંકયો હતો અને તેઓ દિલ્હી  માટે નીકળી પડ્યા હતા. તે સમયે આ આંદોલનમાં ફકત પંજાબના ખેડૂતો જ દેખાતા હતા. જ્યારે પંજાબના ખેડૂતો હરિયાણા પહોંચ્યા તો અહીંના ખેડૂતો પણ તેમની સાથે જોડાઇ ગયા.

ખેડૂતોના ટોાળા દિલ્હી જવા માટે ચાલતા રહ્યા તો ૨૮ નવેમ્બરે તેમને સીંધુ બોર્ડર પર રોકી દેવાયા અને તેઓ ત્યાંજ ધરણા પર બેસી ગયા. ત્યાર પછી નવા આંદોલનનો પાયો રખાયો અને આંદોલન ધીમે -ધીમે મોટુ થવાનું શરૂ થયું. હરિયાણાના ખેડૂતો પણ તેમાં વધારેને વધારે સામે થવા લાગ્યા તો યુપીના ખેડૂતોએ પણ આંદોલન શરૂ કરી દીધું. હવે આ આંદોલન પંજાબ અને હરિયાણા ઉપરાંત, યુપી, ઉતરાખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક, ઝારખંડ અને બિહાર સુધી પહોંચી ગયું છે.

(11:36 am IST)