Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

વિધાનસભા પેટા ચૂંટણી: ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને ઓરિસ્સામાં ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથની શિવસેના, તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતી (TRS)ના ઉમેદવારોએ જીત મેળવી

બિહારમાં પેટા ચૂંટણીમાં મહાગઠબંધન અને ભાજપ બરાબરી પર રહી

નવી દિલ્હી: દેશના છ રાજ્યની સાત વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી રવિવારે થઇ હતી. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને ઓરિસ્સામાં ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે જ્યારે બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ સફળતા મેળવી છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથની શિવસેના, તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતી (TRS)ના ઉમેદવારોએ જીત મેળવી છે.

ભાજપ-RJDએ એક એક બેઠક પર જીત મેળવી

બિહારમાં પેટા ચૂંટણીમાં મહાગઠબંધન અને ભાજપ બરાબરી પર રહી હતી. ગોપાલગંજ બેઠક પર ભાજપની કુસુમ દેવીએ RJDના મોહન ગુપ્તાને અંતિમ રાઉન્ડની ગણનામાં 2,183 મતથી હરાવીને જીત મેળવી હતી. આ રીતે મોકાપા બેઠક પર RJDના ઉમેદવાર અને બાહુબલી અનંત સિંહના પત્ની નીલમ દેવીએ 79,646 અને સોનમ દેવી 62,939 મત મળ્યા હતા.

ગોલા ગોકર્ણનાથ બેઠક પર ભાજપને મળી સફળતા

લખીમપુર ખીરીની ગોલા ગોકર્ણનાથ બેઠક પર ભાજપના ઉમેદવાર અમન ગિરીએ જીત મેળવી છે, તેમણે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વિનય તિવારીને 34,298 મતના મોટા અંતરથી હરાવ્યા હતા.

અમન ગિરીને 1,24,810 મત મળ્યા હતા જ્યારે સપાના વિનય તિવારીને 90,512 મતથી સંતોષ કરવો પડ્યો હતો. આ જીત સાથે અમન ગિરીએ પોતાના પિતા અરવિંદ ગિરીના જીતનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. 2022માં તેમણે વિનયને 29,294 મતથી હરાવ્યા હતા.

આદમપુર બેઠક પર ભાજપના ઉમેદવારની જીત

હરિયાણાના હિસાર જિલ્લાની આદમપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભવ્ય બિશ્નોઇએ જીત મેળવી છે, તેમણે કોંગ્રેસના ઉમેદવાર જયપ્રકાશને 15,714 મતથી હરાવ્યા હતા. 13 રાઉન્ડની મતગણતરીમાં ભાજપના ઉમેદવારને કુલ 67,376 મત તો કોંગ્રેસના ઉમેદવારને 51,662 મત મળ્યા હતા.

આ બેઠક પર આમ આદમી પાર્ટીના સત્યેન્દ્ર સિંહ (3,413)ની જમાનત જપ્ત થઇ ગઇ હતી. આ જીત પર મુખ્યમંત્રી મનોહર ખટ્ટરે ખુશી વ્યક્ત કરી હતી.

અંધેરી ઇસ્ટ બેઠક પર ઉદ્ધવ જૂથની શિવસેનાનો વિજય

મહારાષ્ટ્રની અંધેરી ઇસ્ટ બેઠક પર ઉદ્ધવ જૂથની શિવસેનાના ઉમેદવાર ઋતુજા લટકેએ જીત મેળવી છે. લટકેને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું પણ સમર્થન હતુ, તેમણે કુલ 66,530 મત મળ્યા છે. આ રીતે બીજા નંબર પર NOTAમાં 12,806 મત મળ્યા છે અને અપક્ષ ઉમેદવાર રાજેશ ત્રિપાઠીને 1,571 મત મળ્યા છે.

મુનુગોડા બેઠક પર TRS જીત્યુ

તેલંગાણામાં મુનુગોડા બેઠક પર TRSએ ભાજપના ઉમેદવારને હરાવ્યો છે. આ બન્ને પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આ બેઠક કોંગ્રેસના ધારાસભ્ય કોમાતીરેડ્ડી રાજ ગોપાલ રેડ્ડીના પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ ખાલી પડી હતી, તેમણે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જોકે, TRSના પૂર્વ ધારાસભ્ય કુસુકુંતલા પ્રભાકર રેડ્ડીએ તેમણે હરાવ્યા હતા. આ ભાજપ માટે મોટો ઝટકો છે.

ઓરિસ્સાની ધામનગર બેઠક પર ભાજપ જીત્યુ

ઓરિસ્સાની ધામનગર બેઠક પર ભાજપે જીત મેળવી છે. ભાજપના ધારાસભ્ય વિષ્ણુ ચરમ સેઠીના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી.ભાજપે તેમના પુત્ર સૂર્યવંશી સૂરજને ઉતાર્યો હતો, તેમણે BJDના અબંતી દાસને હરાવીને જીત મેળવી છે.

(5:43 pm IST)