Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

ઉમેદવારોની ખર્ચની લીમીટ એક દાયકામાં અઢી ગણી વધી

૨૦૧૨માં ૧૬ લાખની સામે ચૂંટણી પંચે આ વખતે લીમીટ ૪૦ લાખ કરી

નવી દિલ્‍હી, તા.૭: છેલ્લા એક દાયકામાં ભારતીય ચૂંટણી પંચે ધારાસભાના ઉમેદવારો માટેના ચૂંટણી ખર્ચમાં ૧૫૦ ટકાનો વધારો કર્યો છે. ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર પ્રચાર માટે ૧૬ લાખ રૂપિયા વાપરી શકતા હતા. ૨૦૨૨ની ચૂંટણીમાં દરેક ઉમેદવાર ૪૦ લાખ રૂપિયા વાપરી શકશે. જોકે રાજકીય પક્ષો માટે ખર્ચમાં કોઇ મર્યાદા નથી.

લોકસભા ચૂંટણીના ઉમેદવાર માટે ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં પરવાનગી કૃત ખર્ચની મર્યાદા ૭૦ લાખ હતી. ૨૦૨૨માં જો કોઇ પેટા ચૂંટણી થશે તો તેના ઉમેદવાર માટે પરવાનગીકૃત ખર્ચની મર્યાદા ૯૫ લાખ રહેશે.

ઉમેદવારના ખર્ચ વહીવટ કરતા એક મહત્‍વના રાજકીય નેતાએ કહ્યું, ‘પ્રથમવાર ઉમેદવાર બનનાર માટે અમે ચૂંટણી ખર્ચનું ખાતુ કેવી રીતે જાળવવું તેની ટ્રેનીંગ આપીએ છીએ જેથી ચૂંટણી પંચના વાંધાઓ નિવારી શકાય. જે લોકો ધારાસભ્‍ય બની ગયા હોય તેમને મોટા ભાગે ખબર હોય છે કે કેવી રીતે ચૂંટણી ખર્ચ પરવાનગીકૃત લીમીટ કરતા વધી જતો હોય છે અને અમે તે વધારાનો ખર્ચ પક્ષના ખર્ચ તરીકે ઉપાડી લઇએ છીએ.

દરમ્‍યાન ચૂંટણી પંચે ચૂંટણી ખર્ચ પર અસરકારક રીતે નજર રાખવા દિશા નિર્દેશો આપી દીધા છે. ફલાઇંગ સ્‍કવોડ અને સર્વેલન્‍સ ટીમોની આના માટે રચના કરી દેવાઇ છે. ચૂંટણીપંચ, આમાં રાજય પોલીસ, આવકવેરા વિભાગ, કસ્‍ટમ વિભાગ, ઇડી, રેવન્‍યુ ઇન્‍ટેલીજન્‍સ, રીઝર્વ પોલીસ ફોર્સ, સીઆઇએસએફ, બીએસએફ, કોસ્‍ટ, કોમર્શીયલ ટેક્ષ વિભાગ, નાર્કોટીકસ કંટ્રોલ બ્‍યુરો અને પોસ્‍ટ વિભાગનો પણ સમાવેશ કરશે.

(10:03 am IST)