Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

છેલ્લા 9 મહિનામાં પાકિસ્તાનની કસ્ટડીમાં 6 ભારતીય લોકોના મોત :વિદેશમંત્રાલયે કહ્યું - સજા પુરી થયા છતાં નહોતા છોડ્યા

ભારત દ્વારા તેમની દેશ વાપસીની અપીલ છતા તેમણે ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા

નવી દિલ્હી :પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિકોને પાડોશી દેશ હેરાન કરી રહ્યુ છે. એવી સ્થિતિ બની ગઇ છે કે નવ મહિનામાં પાકિસ્તાનની જેલમાં બંધ છ ભારતીયોના મોત થયા છે. આ મોત કેવી રીતે થયા તેનો કોઇ અંદાજો લગાવવો મુશ્કેલ છે, જે છ કેદીના મોત થયા છે તેમાંથી પાંચ માછીમાર છે. પાકિસ્તાનની જેલમાં બંધ પોતાના લોકોને છોડવા માટે ભારત પાડોશી દેશ સામે કેટલીક વખત આ મુદ્દો પણ ઉઠાવી ચુક્યુ છે. તે બાદ પણ પાકિસ્તાન તરફથી કોઇ પગલા ભરવામાં આવ્યા નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ, છેલ્લા 9 મહિનામાં પાકિસ્તાનની કસ્ટડીમાં 6 ભારતીય લોકોના મોત થયા છે જેમાંથી 5 માછીમાર હતા. આ તમામ 6 લોકોએ પોતાની સજા પુરી કરી લીધી હતી. ભારત દ્વારા તેમની દેશ વાપસીની અપીલ છતા તેમણે ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.

 

વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે ભારતીય કેદીઓની પાકિસ્તાનમાં કેદ દરમિયાન મોતના વધતા કેસ ચિંતાનો વિષય છે. ભારતીય કેદીઓની સુરક્ષાનો મુદ્દે ઇસ્લામાબાદમાં આપણા હાઇ કમિશન દ્વારા વારંવાર ઉઠાવવામાં આવ્યો છે. પાકિસ્તાન સરકારને અપીલ છે કે તમામ ભારતીય કેદીઓને તુરંત છોડીને ભારત મોકલવામાં આવે.

મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની જેલમાં 300થી વધારે ભારતીય કેદી છે પરંતુ પાડોશી દેશ કહે છે કે તેને ત્યા માત્ર 260 કેદી જ બંદી છે, જેમાંથી કેટલાક કેદી એવા છે જેમની સજા પણ પુરી થઇ ગઇ છે છતા પણ પાકિસ્તાન તેમને છોડતુ નથી.

 

(7:27 pm IST)