Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

આર્યન ખાન સહિત આઠ આરોપીઓને NCB પાસેથી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

NCB એ આર્યન અને તેના સાથીઓની 11 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારવાની કોર્ટમાં માંગ કરી હતી

મુંબઈ : ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને ગુરુવારે જામીન માટે મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ખાન અને અન્ય બે આરોપીઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની કસ્ટડીમાં છે, મુંબઈમાં ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં (Drugs Party) દરોડા દરમિયાન NCB દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેની સતાવાર ધરપકડ પણ કરવામાં આવી હતી.ત્યારે હાલ મળતા અહેવાલ અનુસાર NCB એ આર્યન અને તેના સાથીઓની 11 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારવાની કોર્ટમાં માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આર્યન સહિત આઠ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

4 ઓક્ટોબરના રોજ છેલ્લી સુનાવણી વખતે, એનસીબીએ એસ્પ્લેનેડ કોર્ટને જણાવ્યું હતું કે, તેને વોટ્સએપ ચેટ્સ મળી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેણે પેડલર્સ સાથે ચર્ચા કરી હતી અને લિંક્સની તપાસ માટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ(Arbaaz Marchant) અને મુનમુન ધામેચાની કસ્ટડી માંગી હતી. ત્યારબાદ કોર્ટે ત્રણેયની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી લંબાવી હતી.

અભિનેતા શાહરૂખ ખાનના પુત્રના વકીલે કોર્ટને (Court) જણાવ્યું હતું કે, આર્યન ખાનને આ પાર્ટીમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતો અને તેમને કોઈ સીટ કે કેબિન પણ ફાળવવામાં આવી ન હતી. વકીલ સતીશ મણેશીંદેએ આર્યન ખાનને પેડલર્સ સાથે કોઈ કનેક્શન હોવાનો પણ ઇનકાર કર્યો હતો અને NCB (Narcotics Control Bureau) પર આરોપ લગાવ્યો હતો કે, તેનો કેસ માત્ર વોટ્સએપ ચેટ્સ પર આધારિત છે. દરમિયાન, એનસીબીએ આ કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી છે. NCB મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેએ બુધવારે જણાવ્યું હતું કે બિટકોઈન સાથે જોડાયેલી કેટલીક લિંક્સ(Connection) પણ સામે આવી રહી છે.

(7:47 pm IST)