Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

વિરોધ કરતા ખેડૂતને ભાજપ સાંસદના કાફલાએ કચડ્યો

ખીરી વિવાદ પૂરો થયો નથી ત્યાં કુરૂક્ષેત્રની ઘટનાથી ચકચાર : કુરૂક્ષેત્રથી ભાજપના સાંસદ નાયબ સૈનીના કાફલાએ નારાયણગઢમાં વિરોધ કરતા ખેડૂત પર ગાડી ચઢાવી દીધી

અંબાલા, તા. : લખીમપુર ખેરીનો વિવાદ હજુ પૂરો નથી થયો ત્યાં હરિયાણાના કુરૂક્ષેત્રની એક ઘટના સામે આવી છે. ત્યાં વિરોધ કરી રહેલો એક ખેડૂત ભાજપ સાંસદના કાફલાની ગાડી વડે ઘાયલ થયો છે. આરોપ પ્રમાણે કુરૂક્ષેત્રથી ભાજપના સાંસદ નાયબ સૈનીના કાફલાએ અંબાલાના નારાયણગઢ ખાતે વિરોધ કરી રહેલા ખેડૂત પર ગાડી ચઢાવી દીધી હતી.

હાલ તે ખેડૂતની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવ્યું છે અને તે હોસ્પિટલમાં ભરતી છે. અંબાલાના નારાયણગઢની ઘટનાને લઈ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે.

યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ વીડિયો ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'શું ભાજપના લોકો પાગલ થઈ ગયા છે? કુરૂક્ષેત્રથી ભાજપના સાંસદ નાયબ સૈનીના કાફલાએ અંબાલાના નારાયણગઢ ખાતે વિરોધ કરી રહેલા ખેડૂત પર ગાડી ચઢાવી દીધી. ખેલ મંત્રી સંદીપ સિંહ અને કુરૂક્ષેત્રના સાંસદ નાયબ સૈની આજે નારાયણગઢ ખાતે એક સન્માન સમારોહમાં પહોંચવાના હતા. ખેડૂતોને અંગેની જાણ થતાં તેઓ ત્યાં કાર્યક્રમનો વિરોધ કરવા માટે પહોંચી ગયા હતા.

ખેડૂતોએ ભારે નારેબાજી પણ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન એક ખેડૂત ઘાયલ થઈ ગયો હતો. ખેડૂતે લગાવેલા આરોપ પ્રમાણે તેના પર ગાડી ચઢાવી દેવાનો પ્રયત્ન થયો હતો.

(7:09 pm IST)