Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

હિમાલયની પર્વતમાળાની ૩૭૫૦ ફૂટની ઉંચાઈ ઉપર શ્રી મુકિતનાથ મંદિરમાં સાંજે પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો પ્રારંભ

૧૫મીએ કથા વિરામ લેશેઃ ભાવિકો વગરની કથામાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરાશે

રાજકોટ, તા. ૭ :. પૂ. મોરારીબાપુના વ્યાસાસને આજે સાંજથી હિમાલયની પર્વતમાળા ઉપર ૩૭૫૦ ફૂટની ઉંચાઈએ આવેલા મુકિતનાથ ધામમાં શ્રી રામ કથાનો પ્રારંભ થશે. આ કથાનું ભાવિકો ઓનલાઈન રસપાન કરી શકશે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આ કથાનું આયોજન કરાયુ છે. આજે સાંજે ૪ થી ૭ અને કાલે તા. ૮ને શુક્રવારથી તા. ૧૫ ઓકટોબર સુધી દરરોજ સવારે ૯.૩૦થી ૧.૦૦ વાગ્યા સુધી પૂ. મોરારીબાપુ રામકથાનું રસપાન કરાવશે.

નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ ૨૭૦ કિ.મી. ઉત્તરે આવેલા પ્રાચીન પ્રસિદ્ધ નેપાળના મુસ્તાંગ જિલ્લાના મુકિતનાથ મંદિરે શ્રી રામકથાનું આયોજન કરાયુ છે. મુકિતનાથ ધામ એટલે મોક્ષ આપતુ ધામ અને તેમા ભગવાન વિષ્ણુજી બિરાજમાન છે. જેને હિન્દુ અને બૌદ્ધ ધર્મના ભાવિકો પૂજન કરે છે.

પૂ. મોરારીબાપુ દ્વારા નવરાત્રી દરમિયાન દર વર્ષે જુદા જુદા તિર્થધામોમાં શ્રી રામકથાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે નેપાળ ખાતે શ્રી રામકથાનું આયોજન કરાયુ છે. આ કથાનું લાઈવ પ્રસારણ આસ્થા ચેનલ તથા પૂ. મોરારીબાપુની ઓફિસીયલ યુ-ટયુબ ચેનલ પર કરવામાં આવશે.

(3:57 pm IST)