Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

જુના વાહન ભંગારમાં આપવાથી રોડ ટેકસમાં રપ ટકા સુધીની છૂટ મળશે

કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની મોટી જાહેરાત : નેશનલ વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસી હેઠળ

નવી દિલ્હી, તા.૭: જો તમે તમારું જૂનું વાહન વેચીને નવું વાહન લેવા માંગતા હોવ તો તમારા માટે ખુશખબર છે. વાત જાણે એમ છે કે જૂના વાહનોને ભંગારમાં આપવા બદલ નવા વાહનની ખરીદીમાં નેશનલ વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસી હેઠળ રોડ ટેકસમાં ૨૫ ટકા સુધીની છૂટ આપવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ કરી છે.

મંત્રાલયે જાહેરાતમાં કહ્યું કે વાહન સ્ક્રેપિંગ નીતિ હેઠળ લોકોને જૂના અને પર્યાવરણ પ્રદૂષણ કરનારા વાહનોને છોડવા માટે પ્રેરિત કરવામાં આવશે. આ માટે વાહન ભંગારમાં જમા કરાવવા બદલ તેના માલિકને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. જેના આધારે આ છૂટ મળશે. આ છૂટ ખાનગી વાહનો પર ૨૫ ટકા અને કમર્શિયલ વાહનો પર ૧૫ ટકા સુધી રહેશે. આ સાથે જ આ છૂટ કમર્શિયલ વાહનોના મામલે ૮ વર્ષ સુધી અને ખાનગી વાહનોને ૧૫ વર્ષ સુધી ઉપલબ્ધ રહેશે.

આ પોલિસી હેઠળ ફિટનેસ ટેસ્ટ અને સ્ક્રેપિંગ સેન્ટર સંલગ્ન નિયમ ૧ ઓકટોબર ૨૦૨૧થી લાગૂ થઈ ગયા છે. સરકારી અને PSU સંલગ્ન ૧૫ વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરનારો નિયમ ૧ એપ્રિલ ૨૦૨૨થી લાગૂ થશે. આ ઉપરાંત કમર્શિયલ વાહનો માટે આ નિયમ ૧ એપ્રિલ ૨૦૨૩થી લાગૂ થશે. બાકી અન્ય તમામ વાહનો માટે ફિટનેસ ટેસ્ટિંગ સંલગ્ન નિયમ ૧ જૂન ૨૦૨૪થી તબક્કાવાર લાગૂ થશે.

આ સમગ્ર યોજનાને એક ઓનલાઈન પોર્ટલ સાથે જોડવામાં આવશે. વાહન પોર્ટલ સાથે જોડવાનો નિયમ એટલા માટે રાખવામાં આવ્યો છે જેથી કરીને જૂની ગાડીઓને સરળતાથી ડી-રજિસ્ટર કરવામાં આવી શકે અને તે આધાર પર નવા સર્ટિફિકેટ મળી શકે. આ સાથે જ સ્ક્રેપેજ સેન્ટરને નેશનલ ક્રાઈમ બ્યૂરો સાથે પણ લિંક કરવામાં આવશે.

(3:16 pm IST)