Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

મર્ડર કરીને વિરોધીઓને ચુપ કરી શકાતા નથી : વરૂણ ગાંધી

લખીમપુર ખીરીમાં થયેલી હિંસક ઘટના બાદ ભાજપ સાંસદના સતત ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ

લખનૌ, તા.૭: લખીમપુર ખીરીમાં ૩જી ઓકટોબરે થયેલી હિંસક ઘટના બાદ ભાજપના સાંસદ વરુણ ગાંધી સતત ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે. તેમણે આ સંદર્ભે યોગી સરકારને પત્ર પણ લખ્યો છે.અને પીડિત પરિવારોને ન્યાય અને દોષિતોને સજા આપવાની માંગ કરી છે. ગુરૂવારે વરુણે વધુ એક વીડિયો ટ્વીટ કરીને દોષિતોને સજાની માંગણી કરી હતી.

વરૂણ ગાંધીએ ૩ ઓકટોબરનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.જે તાજેતરમાં સામે આવ્યો હતો. અને લખ્યું હતું કે, આ વીડિયો એકદમ સ્પષ્ટ છે. હત્યા કરીને વિરોધીઓને શાંત કરી શકાતા નથી.નિર્દોષ ખેડૂતોના લોહીનો હિસાબ થવો જોઈએ અને ન્યાય થવો જોઈએ. આવો સંદેશ ખેડૂતોને ન જવો જોઈએ કે અમે ક્રૂર છીએ.

૫મી ઓકટોબરે વરૂણગાંધીએ આવો જ એક વિડીયો ટ્વિટ કરીને શેર કર્યો હતો. જેમાં કહ્યું હતું કે, લખીમપુર ખીરીમાં ખેડૂતોને વાહનોથી જાણી જોઈને કચડી નાંખવાનો આ વીડિયો  કોઈની પણ આત્માને હચમચાવી દેશે. પોલીસે આ વીડિયોનું ધ્યાન રાખવું જોઈએ અને આ વાહનોના માલિકો, તેમાં બેઠેલા લોકો અને આ કેસમાં સામેલ અન્ય વ્યકિતઓની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. ૪થી ઓકટોબરના રોજ વરુણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખેલા તેમના પત્રની એક નકલ શેર કરી અને ટ્વીટ કર્યું, લખીમપુર ખેરીની હૃદયદ્રાવક ઘટનામાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ. હું ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આ મામલે કડક કાર્યવાહી કરે.

(3:15 pm IST)