Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

દેશમાં એક લાખ શાળાઓમાં એક જ શિક્ષક : શિક્ષકોની ૧૧ લાખ જગ્યાઓ ખાલી

નવી દિલ્હી, તા.૭: કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નીતિના ઢોલ વગાડવામાંથી ઉંચી આવતી નથી પણ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણને મામલે સ્થિતિ ચિંતાજનક હોવાનું યુનેસ્કોએ તેના ૨૦૨૧ સ્ટેટ ઓફ એજયુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયાઃ નો ટીચર્સ, નો કલાસમાં જણાવ્યું છે કે ભારતમાં ૧.૧ લાખ શાળાઓ એવી છે જયાં માત્ર એક જ શિક્ષકથી કામ ચલાવવામાં આવે છે. દેશની શાળઓમાં ૧૯ ટકા એટલે ૧૧.૧૬ લાખ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.

ધોરણ ત્રણ, પાંચ અને આઠના વિદ્યાર્થીઓના ઓછા ભણતર સાથે આ વર્તમાન સ્થિતિને સાંકળીને યુનેસ્કો દ્વારા શિક્ષકોની નોકરીઓના નિયમો સુધારવાની તથા ગામડાંઓમાં કામ કરવાની સ્થિતિ સુધારવાની ભલામણ કરવામાં આવી છે. શિક્ષકોને ફ્રન્ટ લાઇન વર્કર તરીકે માન્યતા આપવા માટે પણ જણાવાયું છે.

આ અહેવાલ અનુસાર પ્રિ-પ્રાયમરીમાં ૭.૭ ટકા, પ્રાથમિકમાં ૪.૬ ટકા અને અપર પ્રાયમરીમાં ૩.૩ શિક્ષકોની લાયકાત ઉતરતી છે. ભારતમાં શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓની ટકાવારી ૫૦ ટકા જેટલી છે.

ત્રણ રાજયો યુપીમાં ૩.૩ લાખ, બિહારમાં ૨.૨ લાખ અને પશ્ચિમ બંગાળમાં ૧.૧ લાખ શિષકોની જગ્યાઓ ખાલી પડી છે. જયારે મધ્યપ્રદેશમાં ૨૧,૦૭૭ શાળાઓ એવી છે જયાં એક જ શિક્ષક કામ કરે છે. મોટા ભાગની શિક્ષકોની જગ્યાઓ ગામડાઓમાં ખાલી પડી છે. બિહારમાં ૨.૨ લાખ જગ્યાઓ ખાલી છે તેમાંથી ૮૯ ટકા જગ્યાઓ ગામડાંઓમાં ખાલી પડી છે. એ જ રીતે ઉત્તર પ્રદેશમાં ૩.૨ લાખ જગ્યાઓ ખાલી છે તેમાં ૮૦ ટકા જગ્યાઓ ગામડાંઓમાં ખાલી પડી છે. પશ્ચિમ બંગાળમાં આ ટકાવારી ૬૯ ટકા છે.

ખાનગી સરકારી સહાય ન લેતી શાળાઓમાં હાયર સેકન્ડરી લેવલે શિક્ષકોની લાયકાત ઓછી હોય તેની ટકાવારી ૬૦ ટકા છે જયારે શિક્ષણ વિભાગ દ્વારા ચલાવાતી શાળાઓમાં આ ટકાવારી ૨૪ ટકા છે. યુનેસ્કોના અહેવાલમાં શિક્ષકોની કારકિર્દી સુનિશ્ચિત કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.

(3:13 pm IST)