Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

પેટ્રોલ, ડિઝલ, ખાદ્યચીજોના ઊંચા ભાવ બાદ હવે મેન્યુફેકચર્ડ ચીજો પણ મોંધી

રૂપિયો નબળો પડવાથી દેશની દરેક આયાત મોંઘી થાય છે અને તેના કારણે હવે ફુગાવો પણ આયાત થશેઃ ખાદ્યતેલ, કોપર, કોલસો, મશીનરી, કેમિકલ્સ જેવી અનેક ચીજો મોંઘી થશે : બેફામ મોંઘવારી અને રિઝર્વ બેંકની લાચારીના કારણે સસ્તું નાણું અને પુષ્કળ નાણા પ્રવાહિતાના દિવસો પૂર્ણતાના આરે

નવી દિલ્હી, તા.૭: ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા સાત વર્ષની સૌથી ઉંચી સપાટીએ છે અને તેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ઐતિહાસિક ઉંચી સપાટીએ છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારનો કરવેરાનો હિસ્સો ઊંચા ભાવ માટે વધારે જવાબદાર છે પણ ટેકસના દર દ્યટાડવા માટે હજુ સુધી કોઈ હિલચાલ જોવા મળી રહી નથી. જોકે, લોકો ઉપર માત્ર ક્રૂડ ઓઈલના ભાવનો જ બોજ નથી એકસાથે અનેક ચીજો મોંદ્યી થઇ રહી છે. ફુગાવાનો દર કાબુમાં લેવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઉપર દબાણ વધી રહ્યું છે અને આ ફુગાવો કામચલાઉ છે કે કાયમી તેનું વિશ્લેષણ બુધવારે શરુ થયેલી મોનેટરી પોલીસી કમિટીમાં શરૂ થઇ ગયું હશે.

કમિટીનું લક્ષ્ય ફુગાવો અંકુશમાં રાખી દેશનો આર્થિક વૃદ્ઘિ દર જાળવી રાખવાનું છે પણ રિઝર્વ બેંક અત્યારે એકસાથે અનેક કામગીરી કરી રહી છે. દેશની મધ્યસ્થ બેંક બજારમાં પૂરતો નાણા પ્રવાહ, રૂપિયાના ડોલર સામેના મુલ્ય, કેન્દ્ર સરકારના જંગી માર્કેટ બોરોઇંગને સફળ બનાવવા, આ બોરોઇંગ સસ્તા બને એ માટે પગલાં લેવા અને કમાણીમાંથી વધારાની રકમ કેન્દ્ર સરકારને ફાળવી દેશની નાણાકીય ખાધ ઉપર અંકુશ રાખવા જેવી અનેકવિધ કામગીરી કરવામાં આવી રહી છે.

પણ દેશની પ્રજા માટે માત્ર પેટ્રોલ કે ડિઝલના ભાવ જ નહી પણ અન્ય ચીજોમાં જોવા મળી રહેલી મોંઘવારી પણ એક મોટો બોજ છે. છેલ્લા એક વર્ષમાં રાંધણ ગેસ, ખાદ્યતેલ, ચોખા, ઘઉંનો લોટ, દાળ અને કઠોળ બધાના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ઇંધણ અને અન્ય ધાતુઓના ભાવ વધ્યા હોવાથી ઉત્પાદન ખર્ચ વધ્યો છે અને તેના લીધે તૈયાર ખાદ્ય સામગ્રી પણ મોંધી થઇ છે. આ બોજ એવા સમયે આવી પડયો છે કે જયારે કોરોનાની મહાભયંકર બિમારી, આર્થિક મંદીમાંથી દેશ અને દેશની પ્રજા બહાર આવી રહી હોય. આ સ્થિતિમાં મોંદ્યવારીથી પ્રજાને રાહત મળશે કે કેમ તે એક સવાલ છે.

જોકે, રિઝર્વ બેંક પાસે આ મોંધવારીનો કોઈ ઉકેલ નથી. પેટ્રોલ અને ડિઝલના ઊંચા ભાવ માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારના ઊંચા ટેકસ જવાબદાર છે.

રીઝર્વ બેંકે આ ઘટાડવા માટે નિવેદન કર્યા છે પણ કોઈ પગલાં લેવાયા નથી. કોપર, એલ્યુમિનિયમ કે ઝીંકના ઊંચા ભાવ માટે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. માંગ કરતા પુરવઠો ઓછો છે એટલે તેના ભાવ ઊંચા છે. જંગી કૃષિ ઉત્પાદન છતાં ખાદ્યચીજોના ભાવ માટે સંગ્રહખોરી, ઇંધણના કારણે વધેલો પરિવહન ખર્ચ જવાબદાર છે. આ અંગે કેન્દ્ર અને રાજય સરકારે સાથે મળી કામગીરી કરવી પડે. પુરવઠો વધારવો પડે અને ઇંધણ સસ્તું કરવું પડે.

ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે ડોલર સામે રૂપિયો પણ નબળો પડયો છે. ભારત તેની કુલ જરૂરીયાતના ૮૦ ટકા ક્રૂડની આયાત કરે છે.  ક્રૂડની ઉંચી આયાતના કારણે દેશની વેપાર ખાધ સપ્ટેમ્બર ઐતિહાસિક ઊંચા સ્તરે હતી. રૂપિયો જાન્યુઆરીથી માર્ચના કવાર્ટરમાં ડોલર સામે ૭૨.૯૦ હતો જે આજે ઘટીને ૭૪.૯૬ થઇ ગયો છે. રૂપિયો નબળો પડવાથી દેશની દરેક આયાત મોંઘી થાય છે અને તેના કારણે હવે ફુગાવો પણ આયાત થશે. ખાદ્યતેલ, કોપર, કોલસો, મશીનરી, કેમિકલ્સ જેવી અનેક ચીજો મોંઘી થશે.

(11:35 am IST)