Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

રશિયામાં કોરોના મચાવી રહ્યો છે કહેર : એક જ દિવસમાં થયા ૯૦૦થી વધુ લોકોના મોત

સપ્ટેમ્બરના અંતથી કોરોનાના કેસ વધવાની શરૂઆત થઇ હતી

નવી દિલ્હી તા. ૭ : દુનિયામાં હજુ પણ કોરોનાનો કહેર યથાવત છે. દુનિયામા રસીકરણ છતાં કોરોના લોકોની વચ્ચેથી હજી ગયો નથી. રશિયામાં પ્રથમવાર બુધવારે કોરોના વાયરસથી એક જ દિવસમાં ૯૦૦ લોકોના મોત થયા હતા. કોરોના દર્દીઓની મોત સંબંધી આ આંકડા એવા સમયે આવ્યા છે જયારે દેશમાં રસીકરણનો દર ઓછો છે અને સરકાર નવા કેસ પર કાબૂ મેળવવા માટે સખ્ત પ્રતિબંધ લગાવવા માટે તૈયાર નથી. રશિયાના કોરોના વાયરસ ટાસ્ક ફોર્સે બુધવારે ૯૨૯ દર્દીઓના મોત થયાની જાણકારી આપી હતી. આ અગાઉ મંગળવારે ૮૯૫ દર્દીઓના મોત થયા હતા. ટાસ્ક ફોર્સે બુધવારે કોરોનાના નવા ૨૫,૧૩૩ કેસ આવ્યા હતા.

રશિયામાં  સપ્ટેમ્બરના અંતથી કોરોનાના કેસ વધવાની શરૂઆત થઇ હતી. ક્રેમલિને આરોપ લગાવ્યો હતો કે રશિયામાં ખૂબ ઓછા લોકો રસી લઇ રહ્યા છે. મંગળવાર સુધી રશિયાના ૧૪.૬ કરોડ લોકોમાંથી લગભગ ૩૩ ટકા લોકોએ કોરોનાની રસીનો એક ડોઝ લીધો છે જયારે ૨૯ ટકા લોકોએ રસીના બંન્ને ડોઝ લીધા છે.

(11:31 am IST)