Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

હવે સેક્‍સ ચેન્‍જ કરવાનો ખર્ચ પણ આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ મળશે

ટ્રાન્‍સજેન્‍ડર્સ માટે ખુશખબર, કેન્‍દ્ર સરકારે આપી ભેટ : કેન્‍દ્ર સરકારે ટ્રાન્‍સજેન્‍ડરોના કલ્‍યાણ અને ઉત્‍થાન માટે પંચવર્ષીય યોજનામાં ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે

નવી દિલ્‍હી,તા. ૭: ટ્રાન્‍સજેન્‍ડર્સ માટે ખુશખબર સામે આવી છે. હવે ટ્રાન્‍સજેન્‍ડર્સને આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ મેડિકલ કવરની સાથે સાથે સેક્‍સ ચેન્‍જ ઓપરેશન માટે પણ ખર્ચ મળશે. આ માટે પ્રધાનમંત્રી આયુષ્‍યમાન ભારત યોજનામાં નવા નિયમોને જોડવામાં આવ્‍યા છે. આયુષ્‍યમાન ભારત યોજનાને પીએમ જન આરોગ્‍ય યોજનાના નામથી પણ ઓળખવામાં આવે છે. અને પોતાના ભાષણોમાં પીએમ મોદી દ્વારા અનેક વખત તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ બીપીએલ કાર્ડધારકોને દર વર્ષે તમામ પ્રાઈવેટ અને સરકારી હોસ્‍પિટલોમાં સારવાર માટે ૫ લાખ રૂપિયા સુધીનો વીમો આપવા માટેનું પ્રાવધાન છે. અને હવે સરકારની નવી યોજના સ્‍માઈલ (SMILE) હેઠળ આ વીમાનો ફાયદો ટ્રાન્‍સજેન્‍ડરો સુધી પહોંચી શકશે. એટલે કે જો હવે ટ્રાન્‍સજેન્‍ડર પોતાનું સેક્‍સ ચેન્‍જ ઓપરેશન કરવા માગે છે તો તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સેક્‍સ ચેન્‍જ ઓપરેશનમાં મોટી રકમનો ખર્ચ થતો હોય છે. ત્‍યારે સરકાર દ્વારા ટ્રાન્‍સજેન્‍ડરોને મોટી ભેટ આપવામાં આવી છે.
સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલયના સચિવ આર સુબ્રમણ્‍યમે ઈકોનોમિક ટાઈમ્‍સ સાથેની વાતચીતમાં જણાવ્‍યું કે, નવી યોજના પાંચ અલગ-અલગ વિષય છે. શિક્ષા, સ્‍વાસ્‍થ્‍ય, કૌશલ વિકાસ, પુનર્વાસ અને આર્થિક સંબંધ. ટ્રાન્‍સજેન્‍ડરોના સ્‍વાસ્‍થ્‍ય માટે આયુષ્‍યમાન ભારત હેઠળ પેકેજ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ટ્રાન્‍સજેન્‍ડર વ્‍યક્‍તિઓની આવશ્‍યક સર્જરી અને મેડિકલ સહાયતાને કવર કરશે.
સામાજિક ન્‍યાય મંત્રાલય ૧૨ ઓક્‍ટોબરે સપોર્ટ ફોર માર્જિનલાઈઝ્‍ડ ઈન્‍ડિવિડ્‍યુઅલ્‍સ ફોર લાઈવલીહુડ એન્‍ડ એન્‍ટરપ્રાઈઝ એટલે કે સ્‍માઈલ યોજનાની શરૂઆત કરશે. જે હેઠળ ટ્રાન્‍સજેન્‍ડરોની સર્જરી અને મેડિકલ સહાયતા માટે પણ વીમો આપવામાં આવશે. જણાવી દઈએ કે કેન્‍દ્ર સરકારે ટ્રાન્‍સજેન્‍ડરોના કલ્‍યાણ અને ઉત્‍થાન માટે પંચવર્ષીય યોજનામાં ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે
આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ દેશના ગરીબ, વંચિત અને નબળાં વર્ગનાં ૧૦ કરોડ પરિવારોને સ્‍વાસ્‍થ્‍ય વીમાની સુવિધા મળે છે. આ યોજના હેઠળ આ પરિવારોને એટલે કે ૫૦ કરોડ લોકોને વાર્ષિય ૫ લાખ રૂપિયા સુધીનો સ્‍વાસ્‍થ્‍ય વીમો મળે છે.

 

(10:51 am IST)