Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

મુંબઈ, કલ્યાણ અને થાણેમાં ભારે વરસાદ : પુણેમાં પણ મુશળધાર વરસાદને કારણે 20 સ્થળોએ વૃક્ષો ધરાશાયી

વિદર્ભ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો

મુંબઈ : પરત ફરી રહેલા ચોમાસાને કારણે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, 24 કલાક સુધી ચોમાસાની અસર યથાવત રહેવાની છે. મૂશળધાર વરસાદ સાથે વાદળો ગર્જના કરી રહ્યા છે. વીજળી થઈ રહી છે અને જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાના ડોમ્બિવલી, કલ્યાણમાં ભારે વરસાદની શરૂઆત વીજળી અને ભારે પવન સાથે થઈ છે. ભારે વરસાદના કારણે દ્વારલી ગામમાં બે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. એક ઓટો રિક્ષા અને એક મકાનને પણ નુકસાન થયું હતું. પરંતુ જાન માલનું નુકસાન નથી. ભારે વરસાદને કારણે ક્યાંક પાણી ભરાઈ ગયું છે અને ક્યાંક ટ્રાફિક જામ થયો છે.

આ વરસાદની અસર મુંબઈની લોકલ પર પણ પડી છે. કલ્યાણથી કસારા જતી લોકલ પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. પૂણેમાં પણ ભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે કાત્રજ, સહકાર નગર, શિંદે હાઈસ્કૂલ, અરણેશ્વર, મિત્રમંડળ ચોક, સિંહગઢ રોડ, એરંડવણા જેવા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. 20 જગ્યાએ વૃક્ષો પડવાના સમાચાર સામે આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા કર્મચારીઓને રસ્તા પરથી વૃક્ષોને હટાવવા માટે મોકલવામાં આવ્યા છે.

પુણેની સાથે સાથે વિદર્ભમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. વિદર્ભ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વિદર્ભમાં પણ વરસાદની આગાહી કરી છે

(9:47 am IST)