Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

રાહુલ અને પ્રિયંકા ગાંધી મોડી રાતે લખીમપુરના તિકુનિયામાં પહોંચ્યા : પીડિત પરિવારોને મળ્યાં

રાહુલે પોલીસની ગાડીમાં બેસવાનો ધરાર ઈન્કાર કરીને ફક્ત પોતાની ગાડીમાં જ જવાનો આગ્રહ રાખતા મામલો વણસ્યો હતો

નવી દિલ્હી :  કોંગ્રેસ નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધી બુધવારે મોડી રાતે લખીમપુરના તિકુનિયા ગામમાં પહોંચીને પીડિત પરિવારોને મળ્યાં હતા.

રાહુલ લખનઉમાંથી નીકળ્યા બાદ સીધા સીતાપુર ગેસ્ટહાઉસ પહોંચીને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. તેઓ લગભગ અડધો કલાક અહીં રોકાયા હતા ત્યાર બાદ બન્ને ભાઈ-બહેન ખેડૂતોને મળવા લખીમપુર રવાના થયા હતા. 

બીજી તરફ મોરાદાબાદમાં કોંગ્રેસ નેતા સચીન પાયલટ અને પ્રમોદ કૃષ્ણમને સર્કિટ હાઉસમાં પોલીસની અટકાયતામાં રાખવામાં આવ્યાં હતા. બન્ને નેતાઓ જમીન માર્ગે લખીમપુર જવાનો પ્રયાસ કરી રહ્યાં હતા

વહિવટી તંત્ર દ્વારા રાહુલ-પ્રિયંકાના કાફલામાં 17 ગાડીઓને મંજૂરી આપવામાં આવી છે. રાહુલ-પ્રિયંકાની સાથે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની અને છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલ પણ હાજર હતા. લખીમપુર ખીરી હિંસા મામલે રાજકીય ઘમાસાણ મચ્યું છે. લખીમપુર જતા અટકાવાતા રાહુલ ગાંધી લખનઉ એરપોર્ટની બહાર ધરણા પર બેસી ગયા હતા.

લખનઉ પોલીસ તેમને પોતાની ગાડીમાં બેસાડીને લખીમપુર લઈ જવા માગતી હતી પરંતુ રાહુલે પોલીસની ગાડીમાં બેસવાનો ધરાર ઈન્કાર કરીને ફક્ત પોતાની ગાડીમાં જ જવાનો આગ્રહ રાખતા મામલો વણસ્યો હતો. પોલીસની આ માગ ફગાવતા રાહુલ ગાંધી લખનઉ એરપોર્ટની બહાર નેતાઓ સાથે ધરણા પર બેસી ગયા હતા. 

રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેમને જવા દેવામાં નહીં આવે તો તેઓ એરપોર્ટપરથી ધરણામાંથી ખસી જશે નહીં. પછી તે એક દિવસ હોય, બે દિવસ હોય, 15 દિવસ હોય. રાહુલે કહ્યું, 'સરકાર થોડી દાદાગીરી કરવા માંગે છે, મને ખબર નથી કે શું પરંતુ તેમની પાસે કેટલીક યોજનાઓ છે. તેઓ મને કેદીની જેમ પોલીસની કારમાં લઈ જવા માંગે છે.

રાહુલે કહ્યું, "અમારે અમારી કારમાં લખીમપુર ખેરી જવું પડશે. તેઓ ઇચ્છે છે કે અમે તેમની કારમાં તેમની સાથે જઈએ. હું દેશનો નાગરિક છું. પહેલા તેણે કહ્યું કે તમે તમારી કારમાં જઈ શકો છો, હવે તે કહી રહ્યો છે કે તમે પોલીસની કારમાં જશો.

(11:23 pm IST)