Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

લખીમપુર ખીરી હિંસા વિરોધમાં 11 ઓક્ટોબરે મહારાષ્ટ્ર રાજ્યવ્યાપી બંધ: 'મહા વિકાસ આઘાડી' એ કરી જાહેરાત

અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે લખીમપુર ઘટનાની તુલના જલિયાવાલા ઘટના સાથે કરી હતી

ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી હિંસાના વિરોધમાં દેશમાં વિવિધ સ્થળોએ વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહી છે. દરમિયાન, હિંસાના વિરોધમાં મહા વિકાસ આઘાડીએ  11 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં રાજ્યવ્યાપી બંધનું એલાન પણ આપ્યું છે. મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા જયંત પાટીલે બુધવારે આ જાહેરાત કરી હતી.

બીજી બાજુ, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બુધવારે મોડી સાંજે સીતાપુરથી લખીમપુર ખીરી જવા રવાના થયા છે. બંને નેતાઓ હિંસામાં મૃત્યુ પામેલા લખીમપુરમાં પીડિત ખેડૂતોના પરિવારોને મળશે. આ સાથે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ, શિવસેના અને એનસીપીના ‘મહા વિકાસ અઘાડી’ ગઠબંધને રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે.

એનસીપી નેતા જયંત પાટીલે કહ્યું કે ‘મહા વિકાસ અઘાડી’ (એનસીપી, કોંગ્રેસ, શિવસેના ગઠબંધન) એ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા સામે 11 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. આ પહેલા મંગળવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે લખીમપુર ઘટનાની તુલના જલિયાવાલા ઘટના સાથે કરી હતી.

તેમણે કહ્યું કે લોકો ભાજપને (યોગ્ય) સ્થાન બતાવશે અને પાર્ટીને લખીમપુર ઘટનાની ભારે કિંમત ચૂકવવી પડશે. હિંસાને “ખેડૂતો પર હુમલો” ગણાવતા પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી પવારે કહ્યું કે જવાબદારી કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની ભાજપ સરકારો પર છે અને “લોકો તેને (ભાજપ) તેનું (યોગ્ય) સ્થાન બતાવશે”.

(11:05 pm IST)