Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

પાકમાં PTIના પ્રાંતીય ધારાસભ્ય પર જીવલેણ હુમલો : ભાઈ-ભત્રીજા અને બે પોલીસકર્મીઓના મોત

હુમલો રૂઢિચુસ્ત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયો : ઈમરાન ખાનની પાર્ટીના ધારાસભ્ય પર બંદૂકધારીઓએ હુમલો કરતાં ઇજાગ્રસ્ત થયા

નવી દિલ્લી તા.07: પાકિસ્તાનમાં ઇમરાનની સત્તા જતાં જ તેમની પાર્ટીનાં સભ્યો પર જીવલેણ હુમલાઑ વધી રહ્યા છે. શનિવારે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં PTIના પ્રાંતીય ધારાસભ્ય મલિક લિયાકત ખાન પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં ધારાસભ્યને ઇજાઓ થઈ હતી. જ્યારે તેમના પરિવારના ઘણા સભ્યોએ જીવ ગુમાવ્યા હતા.

ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના રાજકીય પક્ષના પ્રાંતીય ધારાસભ્યને નિશાન બનાવતા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેમના ભાઈ-ભત્રીજા અને બે પોલીસકર્મીઓ સહિત કુલ ચાર લોકો માર્યા ગયા હતા. આ માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે, આ હુમલામાં ધારાસભ્ય ઘાયલ થયા છે.

પોલીસે જણાવ્યું કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના ધારાસભ્ય મલિક લિયાકત ખાન હુમલામાં ઘાયલ થયા છે. જોકે, શનિવારે મોડી રાત્રે થયેલા હુમલામાં અન્ય ત્રણ લોકો સાથે ઘાયલ થયેલા ધારાસભ્યને પ્રાંતીય રાજધાની પેશાવરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.

મળતી માહિતી મુજબ, આ હુમલો રૂઢિચુસ્ત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લોઅર ડીર જિલ્લાના મેદાની વિસ્તારોમાં થયો હતો. આ પ્રાંતમાં ઈમરાન ખાનની પાર્ટીની સરકાર છે. પોલીસ અધિકારી જાર બાદશાહે કહ્યું કે પીટીઆઈ ધારાસભ્યનો ભત્રીજો અને ભાઈ માર્યા ગયેલા લોકોમાં સામેલ છે. બંને શનિવારે મોડી રાત્રે અંતિમ સંસ્કારમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા.

પાકિસ્તાનની ટોચની તપાસ એજન્સીએ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટી સામે પ્રતિબંધિત ફંડિંગ કેસની તપાસમાં મદદ કરવા માટે પાંચ સભ્યોની વિશેષ દેખરેખ સમિતિની રચના કરી છે. રવિવારે એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અધિકારીઓએ આ કેસમાં તપાસનો વ્યાપ વધારી દીધો છે. હાલ વિભાગીય ટીમ આ મામલે તપાસ કરી રહી છે.

(7:20 pm IST)