Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કાશ્મીર અંગે સાથ ન મળતા પાકિસ્તાન પોતાના જુના સાથીદાર સાઉદી અરેબીયા ઉપર ભડકી ઉઠ્યું

ધમકી આપી અક્કલનું દેવાળુ ફુંકયું

ઇસ્લામાબાદ, તા.૭ : ચીન અને તુર્કીના ઇશારા પર નાચી રહેલા પાકિસ્તાને કાશ્મીરને અંગે પોતાનો પક્ષ ન લેતા પોતાના જૂના મિત્ર સાઉદી અરબને પણ જોરદાર ધમકી આપી દીધી છે.

પાકિસ્તાનના નાપાક ષડયંત્રમાં સાથ ના આપતા કુંઠિત થયેલા પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ સાઉદી અરબના નેતૃત્વવાળા ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કંટ્રીઝ (OIC)ને ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે OIC કાશ્મીર પર પોતાના વિદેશ મંત્રીઓની પરિષદની બેઠક બોલાવે.

એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં કુરૈશીએ કહ્યું હતું કે, હું ફરીથી એક વખત OICને પૂરા આદર સાથે કહેવા માંગુ છું કે વિદેશ પ્રધાનોની પરિષદની બેઠક અમારી અપેક્ષા છે.

જો તમે તેને બોલાવી નથી શકતા તો મારે વડા પ્રધાન ઇમરાન ખાનને કાશ્મીરના મુદ્દા પર અમારી સાથે ઉભા રહેવા તૈયાર હોય તેવા ઇસ્લામી દેશોની બેઠક બોલાવવાનું કહેવું પડશે.

એક સમયે સાઉદી અરબના નાણાં પર પોતાના દેશનું પોષણ કરનાર પાકિસ્તાનના વિદેશમંત્રીએ પોતાના નિવેદન દ્વારા OICને  એક પ્રકારની ધમકી જ આપી દીધી છે. બીજા એક પ્રશ્નના જવાબમાં કુરેશીએ કહ્યું કે પાકિસ્તાન હવે વધુ રાહ જોઇ શકે તેમ નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને  નાબૂદ કર્યા બાદથી જ ૫૭ મુસ્લિમ દેશોની સંસ્થા OIC વિદેશમંત્રીઓની બેઠક બોલાવવા માટે સાઉદી અરબ પર દબાણ કરી રહ્યું છે. જો કે હજી સુધી તે આ પ્રયત્નમાં સફળ રહ્યું નથી. OIC સંયુકત રાષ્ટ્ર બાદ વિશ્વનું બીજું સૌથી મોટું સંગઠન છે.

કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને સાઉદી અરેબિયાના અનુરોધ પર પોતાને કુઆલાલુમ્પુર સમિટથી અલગ કરી દીધું હતું અને હવે પાકિસ્તાની એ માંગ કરી રહ્યા છે કે સાઉદી અરેબિયા કાશ્મીરના મુદ્દે નેતૃત્વ બતાવે.

પાકિસ્તાનના વિદેશ પ્રધાને કહ્યું કે જો OIC થી વિદેશ પ્રધાનો મળે તો તે ઇસ્લામિક દેશો વતી કાશ્મીર પર ભારતને ઇસ્લામિક દેશોની તરફથી સ્પષ્ટ સંદેશ જશે. પાકિસ્તાની અખબાર ડોનના રિપોર્ટ પ્રમાણે OICના બેઠક ના થવા પાછળ એક મોટું કારણ સાઉદી અરબ છે. સાઉદી અરબ OIC દ્વારા ભારતને કાશ્મીર પર ચિત્ત્। કરવાની પાકિસ્તાની ચાલમાં સાથ આપી રહ્યું નથી.

જો કે OIC માં કોઇ પણ પગલાં માટે સાઉદી અરબનો સાથ સૌથી વધુ જરૂરી હોય છે. OIC પર સાઉદી આર અને તેમના સહયોગી દેશોનો દબદબો છે. કુરૈશી એ કહ્યું કે અમારી પોતાની સંવેદનશીલતા છે. તમારે આ સમજવું પડશે. ખાડી દેશોએ આ સમજવું પડશે. કુરૈશીએ કહ્યું કે તેઓ ભાવુક થઇ આ નિવેદન આપી રહ્યા નથી પરંતુ સંપૂર્ણપણે તેની અસર સમજે છે.

એ હકીકત છે કે હું સાઉદી અરબ સાથે સારા સંબંધો છતાંય મારું વલણ સ્પષ્ટ કરી રહ્યો છું. ડોનના મતે કાશ્મીર પર સાઉદી અરબે પગલું ના ભરતા પાકિસ્તાનની હતાશા વધતી જઇ રહી છે. ઇમરાન ખાને પણ થોડાંક દિવસ પહેલાં પોતાની હતાશા વ્યકત કરી હતી.

(11:22 am IST)