Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

સમાન નાગરિક સંહિતા પણ ૩-૪ વર્ષમાં લાવશું: રામ માધવ

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની મોટી જાહેરાતઃ મોદી સરકાર દ્વારા પ્રજાને આપવામાં આવેલા બધા વચનો પુરા કરશે સરકાર

નવી દિલ્હી તા. ૭ : ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કહ્યું કે આગામી ત્રણ ચાર વર્ષમાં નરેન્દ્ર મોદી સરકાર દેશની પ્રજાને આપવામાં આવેલા વચનો અંગેના બધા કામો પુરા કરશે. કોઇપણ વચન અધુરૂ નહીં રહે. ત્યાર પછી અમે નવા કામો કરશું જેનાથી દેશને વિકાસના માર્ગે આગળ લઇ જશું આગામી ત્રણ-ચાર વર્ષમાં સરકાર સમાન નાગરિક સંહિતા પણ લાવશે.

પત્રકાર સાથેની વાતચીતમાં રામ માધવે કહ્યું કે સુપ્રિમ  કોર્ટે સરકારને લગભગ ત્રણ વાર પુછયુ છે કે તમે સમાન નાગરિક સંહિતા કયારે લાવો છો. સરકાર આ વાત માટે કટ્ટીબંદ્ધ છે. આ સરકારે જે વચનો આપ્યા હતા તે એક પછી એક પુરા કરી રહી છે.એ પણ ત્રણ-ચાર વર્ષમાં પુરા કરવામાં આવશે. આ સાથેજ મોદી સરકાર તેમણે દેશની જનતાને આપેલા બધાજ વાયદાઓ પુરા કરશે જયારે  બધા વચનો પુરા થઇ જશે ત્યારે સરકાર નવા કામો કરશે જેનાથી દેશનો વિકાસ થશે.

ભાજપાના એજંડામાં પીઓકે છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે બધા જાણે જ છે કે પાકિસ્તાને ભારતના તે વિસ્તાર પર કબજો જમાવેલો છે એ ભારતનો જ એક ભાગ છે. તે બાબતે કોઇના મનમાં દુવિધા નથી.

ઉમર અબ્દુલ્લા અને મહબુબા મુફતી કાશ્મીરના મુખ્ય પ્રધાન રહી ચુકયા છે, તેમણે ત્યાં ત્રિરંગો પણ લહેરાવ્યો છે તેમને નજરકેદમાં કેમ રખાયા છે. તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ત્રિરંગો લહેરાવવાની વાત હોય તો તે દરેક ભારતીયની ફરજ છે. ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફતીએ તેમાં કંઇ નવું નથી કહ્યું જો તેમની નજરકેદની વાત કરીએ તો આ પગલું તેમની સુરક્ષા માટે જરૂરી હતું.

કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા પછી જમ્મુ-કાશ્મીરનો વિકાસ થશે તેવા પ્રશ્નના ઉત્તરમાં રામ માધવે કહ્યું કે અત્યાર સુધી કેન્દ્ર તફરથી  જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે અપાતા નાણા લાભાર્થીઓ સુધી નહોતા પહોંચતા પણ હવે પહોંચશે.ત્યાં થનાર વિકાસ કાર્યોનો ફાયદો સ્થાનિક લોકોને મળશે હવે કેન્દ્રની નજર હેઠળ જમ્મુ-કાશ્મીરનો વિકાસ કરવામાં આવશે.

(3:44 pm IST)