Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

અલઝાઈમરની આગોતરી જાણ માટેનો નવો બ્લડ ટેસ્ટ ૯૪ ટકા એકયુરેટ

અલઝાઈમરના ચોકસાઈપૂર્ણ નિદાન માટે મહત્વપૂર્ણ

અલઝાઈમર રોગની શોધને એક સદી વીતી ગયા પછી પણ મગજ શકિત અને યાદશકિત ઘટાડતા આ રોગની સારવાર હજુ સુધી નથી મળી શકી. તેના માટેની કેટલીક દવાઓ જે અત્યારે મળે છે તે ફકત આ રોગના કેટલાક લક્ષણોને દબાવી દે છે પણ તેના મૂળ સુધી નથી પહોંચી શકી. છેલ્લા કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યુ છે કે આ દવાઓથી દર્દીઓને કોઈ મોટો ફાયદો નથી થતો.

મુખ્ય પડકાર રૂપવાત આ રોગની એ છે કે આ રોગના લક્ષણો દેખાય ત્યાં સુધીમાં તો મગજના કોષોને એટલું નુકસાન થઈ ચૂકયુ હોય છે કે તેની સારવાર કરવી શકય નથી રહેતી. આ કોષો એવા પ્રકારના છે કે તે ફરીથી મગજમાં બનતા નથી કે બનાવી શકાતા નથી. આના માટે દવાઓ જે આપવામાં આવે છે તે એટલે જ બહુ કામમા નથી આવતી.

આ જ કારણથી અલઝાઈમરનુ નિદાન જેમ બને તેમ જલ્દી થઈ શકે તે જરૂરી છે વર્ષો અથવા દાયકાઓથી યાદશકિત ખરાબ થવાનું શરૂ થઈ જાય છે. રીસર્ચરો ઘણા સમયથી અલઝાઈમરની જાણ લોહીના પરિક્ષણમાંથી થઈ શકે તે માટેના રિસર્ચ કરી રહ્યા હતા. જેમાંથી કેટલાક આ રોગ માટેનું ખાસ એમીલોઈડ નામના પ્રોટીન પર થઈ રહ્યા હતા. અત્યારની એમીલોઈડ ટેસ્ટીંગની પદ્ધતિઓમાં સેરેબ્રો સ્પાઈનલ ફલુઈડના નમૂના લેવાની અને મગજની પીઈટી ઈમેજીંગની પદ્ધતિઓ સામેલ છે, પણ તે ઘણી ખર્ચાળ, સમય લઈ લેતી પદ્ધતિઓ છે, પણ જો લોહીના ટેસ્ટ દ્વારા અલઝાઈમરની જાણ થતી હોય તો હજુ પણ અલઝાઈમરના રોગીઓની સંખ્યા વધી શકે છે.

સેન્ટ લૂઈસ ખાતેની વોશીંગ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડીસીનના રીસર્ચરોે ન્યુરોલોજી જર્નલમાં રીપોર્ટ રજુ કરીને જણાવ્યુ છે કે તેમણે વિકસીત કરેલો બ્લડ ટેસ્ટ લોકોમાં રહેલા અલઝાઈમરનું વહેલુ નિદાન કરવામાં ૯૪ ટકા ચોકસાઈપૂર્ણ છે. તે લોકોએ જુલાઈમાં અલઝાઈમર્સ એસોસીએશન ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ પોતાના તારણો રજુ કર્યા હતા અને કહ્યું હતુ કે આ કલીનીક ખાતે થઈ શકે તેવા લોહીનો એક એડવાન્સ ટેસ્ટ છે.

દરેકના શરીરમાં એમીલોઈડ બને છે પણ કેટલાકના શરીરમાં આ પ્રોટીન અસામાન્ય રીતે કોપી થઈને મગજમાં થર જમાવે છે અને નિષ્ણાંતોના માનવા અનુસાર તેના લીધે મગજની નસો અને જ્ઞાનતંતુઓ અસહજ કાર્ય શરૂ કરતી હોય છે. અલઝાઈમરના નિદાનમાં આ થર જામવુ જરૂરી ગણવામાં આવે છે એટલે જ રીસર્ચરોએ એવો ટેસ્ટ વિકસીત કર્યો છે જેનાથી લોહીમાં એમીલોઈડનું સ્તર જાણી શકાય. એમીલોઈડને ઓળખવા માટે રિસર્ચરોએ માસ સ્પેકટ્રોમેટ્રી નામની ટેકનીકનો ઉપયોગ કર્યો હતો. આ ટેકનીક દ્વારા લોહીના નમૂનામાંથી બીટા-૪૦ અને બીટા-૪૨ની સંખ્યા જાણી શકાય છે. (ટાઈમ હેલ્થમાંથી સાભાર)

(3:21 pm IST)