Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

બેન્કોના સોફટવેરમાં સુધારો નહીં RTGS-NEFTના ચાર્જ યથાવત

રિઝર્વ બેન્ક પરિપત્રના અમલ અંગે ચેકિંગ કરતી નથીઃ સુધારા માટે મહિનો મળવા છતાં બેન્કોએ સોફટવેર અપડેટ કર્યા નથી

અમદાવાદ તા. ૭ :.. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ગત ૧૧મી જૂનના રોજ એનઇએફટી અને આરટીજીએસ કરવા પર લેવાતા ચાર્જને નાબૂદ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જેનો અમલ ૧લી જૂલાઇથી થયો હતો. આ નિર્ણયને એક માસ થવા આવ્યો છે છતાં હજુ સુધી એસબીઆઇ સહિતની બેન્કો આ બંને સેવા પર ચાર્જ વસુલી રહી છે. એક તરફ ગ્રાહકો લૂંટાય છે અને બીજી તરફ આરબીઆઇ બેન્કો સામે પગલા લેવાના બદલે મૂક પ્રેક્ષક બનીને તમાશો નિહાળી રહી છે.

જાણવા મળ્યાં મુજબ દેશની સૌથી મોટી સરકરી બેન્ક એસબીઆઇ સહિતની બેન્કોમાં હજુ સુધી ચાર્જ વસુલાઇ રહયો છે. તેના માટેનું કારણ એવું જાણવા મળ્યું છે કે આરટીજીએસ અને એનઇએફટી પરનો ચાર્જ માફ કરવો હોય તો સોફટવેરમાં સુધારો કરવો પડે. આ પ્રક્રિયા હજુ પુરી થઇ નથી. બેન્કોને આરબીઆઇના પરિપત્ર પછી એક માસનો સમય મળ્યો હતો છતાં સોફટવેરમાં સુધારો કર્યો નહોતો. તેના કારણે ગ્રાહકોને પરાણે ચાર્જ આપવો પડી રહ્યો છે. અગાઉ બેન્કો સિસ્ટમમાં એડિટ કરીને ચાર્જ માફ કરી શકતી હતી. પરંતુ હવે સોફટવેર સેન્ટ્રલી થવાના કારણે બ્રાન્ચના હાથમાં રહેલી સત્તા જતી રહી છે. (પ-૬)

વસુલ કરાયેલો ચાર્જ રિફંડ કરવા વિચારણા

સુત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે બેન્કો દ્વારા સોફટવેરમાં અપડેટ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. એક વખત સોફટવેર અપડેટ થાય પછી જેની પાસેથી ચાર્જ વસુલાયો છે તેને રિફંડ આપવા વિચારણા ચાલી રહી છે. હજુ સુધી નકકી થયું નથી કે રિફંડ આપવું પરંતુ વિચારણા ચોકકસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

(11:37 am IST)