Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

આઝાદી બાદ સોૈથી સફળ સત્રનાં ઢોલ વગાડશે ભાજપ

સંસદના બજેટ સત્રની આજે સમાપ્તી

નવી દિલ્હી તા ૭  :  સંસદનું બજેટ સત્ર આજે પુરૂ થશે. મોદી સરકારે ૩૦ મે એ ફરીથી સતા સંભાળ્યા પછીનું આ પહેલું  સત્ર હતું. સરકાર આ સમયે આઝાદી પછીના સોૈથી સફળ સત્ર તરીકે પ્રશારિત કરશે. આ સત્રમાં ત્રણ તલાકને ગેરકાયદે બનાવનાર ખરડાથી માંડીને જમ્મુ કાશ્મીરમાંથી  કલમ ૩૭૦  હટાવવા સુધીના ઐતિહાસિક નિર્ણયો લેવાયા હતા.

આજે વડાપ્રધાન દેશને સંબોધન કરી શકે છે, તેઓ કલમ ૩૭૦ પર પહેલીવાર બોલવાની સાથે સાથે સત્રની સફળતા અંગે પણ દેશને જણાવશે. દેશના નામે થનાર આ સંબોધનમાં વડાપ્રધાન અચાનક લેવામાં આવેલા નિર્ણયો અને સરકારના વિચારો અંગે વિસ્તારપુર્વક જણાવશે. આખી દુનિયામાં આ મુદ્ે રાજકીય ગરમી હોવાથી તેઓ દેશની સાથે સાથે આખા વિશ્વને એક નક્કર સંદેશ આપી શકે છે.

કામના હિસાબથી જોવામાં આવે તો આઝાદી પછી અત્યાર સુધીના સોૈથી સફળ સત્રમાં આ બજેટ સત્રની ગણના થશે, જેમાં રેકોર્ડ સંખ્યામાં ખરડાઓ બન્ને સંસદોમાં પસાર થયા હતા. સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી વડાપ્રધાનનું ભાષણ પણ મોટા ભાગે આ સત્રના કામકાજ અંગે જ રહેશે. બજેટ સત્રની સફળતા અંગે જણાવવા માટે વડાપ્રધાને બીજા પ્રધાનોને જવાબદારીઓ પણ સોપી છે.મોદી સરકાર મિશન કાશ્મીરના આગામી ચરણમાં કાશ્મીર પેકેજની જાહેરાત કરશે. સુત્રો અનુસાર, ૧૫ ઓગષ્ટ પહેલા મોદી સરકાર આની જાહેરાત કરી શકે છે. આ પેકેજને સરકાર કાશ્મીર ખીણમાં વિશ્વાસ સંપાદન કરવાની કોશિષો તરીકે રજુ કરશે. સરકારે કાશ્મીરમાં ૩૭૦મી કલમ હટાવ્યા પછી સતત એક પછી એક પગલાઓ લેવાની યોજના બનાવી છે. સુત્રો અનુસાર, સરકારના પ્રધાનો સતત કેટલાય મહિનાઓ સુધી ત્યાંની મુલાકાતો લેતા રહેશે. આની શરૂઆત ગૃહપ્રધાન અમિત શાહ કરશે.

(11:36 am IST)