Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

પેટ્રોલ-ડીઝલ ટુંક સમયમાં સુપર માર્કેટમાંથી પણ મળવા લાગશેઃ સરકાર નિયમો બદલાવશે

લાયસન્સના નિયમો હળવા થશેઃ વિદેશી કંપનીઓ માટે દ્વાર ખુલ્લા મૂકાશે

નવી દિલ્હી, તા.૭: દેશમાં ટુંક સમયની અંદર હવે સુપર માર્કેટમાંથી પણ પેટ્રોલ અને ડીઝલ મળવાનું શરૂ થશે.

 સરકાર સાઉદી અરામ્કો, ટોટલ અને ટ્રેફિગ્યુરા જેવી વિદેશી કંપનીઓને ઇંધણના માર્કેટિંગની મંજૂરી આપવા સાથે ઓઇલ સેકટરમાં મોટા સુધારાની યોજના ધરાવે છે. સુપરમાર્કેટ ચેઇન્સને પણ આ આકર્ષક બિઝનેસમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

પેટ્રોલિયમ મંત્રાલયે લગભગ પેટ્રોલ, ડીઝલ અને હવાઈ ઇંધણના માર્કેટિંગ માટે લાઇસન્સની ફાળવણી પર નિયંત્રણના લગભગ બે દાયકા જૂના કાયદાને રદ કરવા કેબિનેટ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે ભારતમાં પેટ્રોલિયમ સેકટરમાં એકસ્પ્લોરેશન અને ઉત્પાદન, રિફાઇનિંગ, પાઇપલાઇન્સ કે ટર્મિનલ્સમાં ૨,૦૦૦ કરોડનું રોકાણ કરનારને જ ઇંધણના માર્કેટિંગનું લાઇસન્સ મળે છે.

મે મહિનામાં સુપરત કરાયેલા પેનલના અહેવાલમાં લાઇસન્સની શરત માટે કંપનીઓના લદ્યુતમ રોકાણના નિયમને રદ કરવાની ભલામણ છે. પેનલે નોન-ઓઇલ કંપનીઓ માટે પણ સેકટરને ખુલ્લું મૂકવાનું, પેટ્રોલ પમ્પ્સ શરૂ કરવા ચુસ્ત સમયમર્યાદા લાદવા અને યોજનાના અમલની સમયમર્યાદા નહીં પાળવા માટે પેનલ્ીનું સૂચન કર્યું છે.

વિદેશી કંપનીઓ માટે પેટ્રોલિયમ સેકટરમાં લદ્યુતમ રોકાણનો નિયમ સૌથી મોટો અવરોધ છે. ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને હવાઈ ઇંધણની માંગ ૨૦૧૮-૧૯માં અનુક્રમે ૮ ટકા, ૩ ટકા અને ૯ ટકા વધી છે. લાઇસન્સમાં નિયમમાં ફેરફાર થશે તો તેનો તાત્કાલિક લાભ સાઉદી અરામ્કો, ફ્રાન્સની ટોટલ અને ઓઇલ ટ્રેડર ટ્રેફિગ્યુરાને મળશે.

સાઉદી અરામ્કોએ તાજેતરમાં પેટ્રોલિયમ મંત્રાલયને લેખિતમાં જણાવ્યું હતું કે, તે ભારતમાં ઇંધણના રિટેલ વેચાણમાં રસ ધરાવે છે. જોકે, કંપનીએ આ મુદ્દે ઔપચારિક અરજી સુપરત કરી નથી.

સૂત્રના જણાવ્યા અનુસાર તે નિયમમાં ફેરફાર થવાની રાહ જોઈ રહી છે. અરામ્કોના સીઇઓ અમિન નાસિરે અગાઉ જણાવ્યું હતું કે, ભારતમાં મેન્યુફેકચરિંગ હબ શરૂ કર્યા વગર અરામ્કો ઇંધણના રિટેલ વેચાણમાં નહીં પ્રવેશે.

(11:36 am IST)