Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ભ્રામક જાહેરાતોથી છેતરી નહિ શકાયઃ ગ્રાહક બન્યો રાજા

ભ્રામક જાહેરાત પર ૧૦ લાખનો દંડઃ ખરાબ પ્રોડકટથી કોઇને હાનિ પહોંચે તો પ૦ કરોડ સુધીનો દંડઃ ઉપભોકતા સંરક્ષણ ખરડો સંસદમાં પસારઃ ગ્રાહકને મળ્યા પ અધિકારો

 

નવી દિલ્હી તા. ૭ :.. ગ્રાહકોના હિતોની સુરક્ષા કરવા અને ભ્રામક જાહેરાતો ઉપર દસ લાખનો દંડ લગાવનાર ગ્રાહક સુરક્ષા ખરડો સંસદના બન્ને સદનોમાં પસાર થઇ ગયો છે. રાજયસભામાં આ ખરડો ગઇકાલે ધ્વનિમાંથી પસાર કરવામાં આવ્યો હતો. જયારે લોકસભામાં તે પહેલા જ પસાર થઇ ચુકયો છે.

આ ખરડો સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરીટીની સ્થાપના અને ખરાબ સામાન અને સેવાઓની ફરીયાદો નિપટાવવા માટે બનાવાયો છે. ખરડા પર થયેલી ચર્ચાનો જવાબ આપતા ગ્રાહક સુરક્ષાના પ્રધાન રામવિલાસ પાસવાને કહયું કે ખરડો પસાર થવાથી ગ્રાહકોને જલ્દી ન્યાય મળશે. તેમણે કહ્યું કે દુનિયામાં કયાંય પણ બોગસ જાહેરાત કરનાર સેલેબ્રીટીઓને ગંભીર સજાની જોગવાઇ નથી. આવી હસ્તિઓનું લોકો મોટી સંખ્યામાં અનુસરણ કરે છે. તેમણે રાજયોને ગ્રાહકોમાં જાગૃતતા ફેલાવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

ગ્રાહકો માટે નવા પાંચ અધિકારો

૧. ભ્રામક જાહેરાત ઉપર ઉત્પાદક અથવા સેવા પ્રદાતાને ર વર્ષની જેલ અથવા ૧૦ લાખના દંડની જોગવાઇ

ર. સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરીટી (સીસીપીએ) ને તપાસ કરવાના અને આર્થિક દંડ લગાવવાનો અધિકાર રહેશે.

૩. ખરાબ સામાન આપવા માટે બનાવનાર અને વેચનાર બન્નેની જવાબદારી થશે.

૪. ખરાબ ઉત્પાદનના કારણે કોઇને શારિરિક ઇજા અથવા મોત થાય તો કંપની ઉપર પાંચ વર્ષની જેલ અને પ૦ કરોડનો દંડ થઇ શકે છે.

પ. ગ્રાહકોની ફરિયાદની સુનાવણી વધારે લાંબી નહીં ચાલે.

(11:35 am IST)