Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

કલમ-370 હટાવવી ભારતનો આંતરિક મામલો મોદી સરકારના નિર્ણંયનું યુએઈએ કર્યું સમર્થન

કહ્યું કે, 'રાજ્યોનું પુન:ગઠન સ્વતંત્ર ભારતનાં ઇતિહાસમાં અનોખી ઘટના નથી

 

સંયુક્ત અરબ અમીરાત (UAE) જમ્મુ-કાશ્મીર માટે વિશેષ દરજ્જો સમાપ્ત કરવા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજ્યનું વિભાજન કરવાનાં મોદી સરકારનાં નિર્ણયનું સમર્થન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં 5 સ્થાઈ સભ્યો સહિત ઘણા દેશોને સરકારનાં કાશ્મીર પગલા પર એક દિવસ પહેલા જાણકારી આપવામાં આવી હતી.

  ભારતમાં સંયુક્ત અરબ અમીરાતનાં રાજદૂત ડૉ. અહમદ અલ બન્નાએ કહ્યું કે કાશ્મીર કલમ-370ની કેટલીક જોગવાઈઓ હટાવવી ભારત સરકારનો આંતરિક મામલો છે. તેમણે કહ્યું કે, 'રાજ્યોનું પુન:ગઠન સ્વતંત્ર ભારતનાં ઇતિહાસમાં અનોખી ઘટના નથી અને આનો મુખ્ય ઉદ્દેશ ક્ષેત્રીય અસમાનતા ઓછી કરવાનો છે અને કાર્યક્ષમતા વધારવાનો છે. ભારતીય સંવિધાન દ્વારા નિર્ધારિત આંતરિક મામલો છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકારે એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવાની જાહેરાત કરી હતી. સાથે જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષ રાજ્યનો દરજ્જો પણ ખત્મ થઈ ગયો છે. તો સરકારે જમ્મુ-કાશ્મીરનું બે ભાગમાં વિભાજન કરી દીધું છે. જે અનુસાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચનારા બિલને સરકારે સંસદનાં બંને ગૃહમાં પાસ કરાવી દીધું છે.

(12:00 am IST)