Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

હજારો આંખો રડી પડી : સુષ્માજીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

ભાજપના દિગ્ગજ નેતા, પ્રખર વકતા અને પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું ગઈ મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાનઃ સવારથી જ તેમના અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડયાઃ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતનાઓએ આપી શ્રધ્ધાંજલી : સુષ્મા સ્વરાજ ૬૭ વર્ષના હતાઃ તેમના નિધનથી દિલ્હીમાં બે દિવસનો શોકઃ દિલ્હીમાં ભાજપના કાર્યાલયે પાર્થિવદેહને લઈ જવાયોઃ અશ્રુભીની શ્રધ્ધાંજલીઃ બપોરે ૩ વાગ્યા બાદ અંતિમવિધિઃ દેશ-વિદેશના કરોડો લોકોના હૃદયમાં સુષ્મા સ્વરાજ માનભર્યુ સ્થાન ધરાવતા હતા : સુષ્માદીદી અમર રહોના ગગનભેદી નારા લાગ્યા

નવી દિલ્હી, તા. ૭ :. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું ૬૭ વર્ષની ઉંમરે ગઈકાલે રાત્રે એમ્સ ખાતે નિધન થતા સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો છે. ગઈકાલે રાત્રે હૃદયરોગનો હુમલો આવ્યા બાદ અત્યંત ગંભીર હાલતમાં તેમને રાત્રે ૯ વાગ્યા બાદ હોસ્પીટલ લવાયા હતા જ્યાં ડોકટરો તેમને બચાવી શકયા નહોતા. દેશ અને દુનિયાના અનેક ટોચના નેતાઓએ તેમના નિધન પર દુઃખ વ્યકત કર્યુ છે. સવારથી જ તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડયા હતા.  બપોરે તેમનો પાર્ર્થિવદેહ અંતિમ દર્શન માટે લાવવામાં આવતા ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમનો પાર્થિવદેહ પક્ષના ઝંડામાં લપેટવામાં આવ્યો હતો. આ પહેલા આજે તેમના નિવાસસ્થાને વડાપ્રધાને શ્રધ્ધાંજલી આપી હતી એ દરમિયાન પીએમ ગમગીન જોવા મળ્યા હતા અને તેમની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી.

બપોરે ૩ વાગ્યા બાદ સુષ્મા સ્વરાજની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા અને સુષ્માદીદી અમર રહેગીના ગગભેદી નારા પણ લાગ્યા હતા. બપોરે લોધી રોડ સ્મશાન ઘાટ ખાતે તેમના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેમનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો. આ સમયે હજારો આંખો રડી પડી હતી અને દિવંગત નેતાને રડતા હૃદયે વિદાય આપી હતી. તેમને રાજકીય માન-સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

આજે બપોરે ૧૨ વાગ્યે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે ભાજપના કાર્યાલય લાવવામાં આવ્યો હતો જ્યાં ભાજપના તમામ ટોચના નેતાઓએ સદ્ગતને અશ્રુભીની શ્રધ્ધાંજલી અર્પી હતી. આ પહેલા આજે સવારે રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન મોદી સહિત પ્રધાન મંડળના સભ્યો, ભાજપના નેતાઓ, કાર્યકરો વગેરેએ તેમને પુષ્પાંજલી અર્પી હતી.

સુષ્મા સ્વરાજની તબીયત ઘણા લાંબા સમયથી ખરાબ રહેતી હતી. મૃત્યુના ૩ કલાક પહેલા જ કલમ ૩૭૦ હટાવાઈ તે પછી ટ્વીટ કર્યુ મોદી સરકારના બીજા કાર્યકાળમાં સુષ્માએ મંત્રી પદ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. સુષ્મા સ્વરાજે સ્વાસ્થ્ય કારણોથી ગત લોકસભાની ચૂંટણી પણ લડવાનો ઈન્કાર કર્યો હતો.

પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર સાંભળી સમગ્ર દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ભાજપ જ નહિ પરંતુ વિરોધી પક્ષના નેતાઓ પણ સુષ્માની ઓચિંતી વિદાયથી સ્તબ્ધ બની ગયા છે. સુષ્મા સ્વરાજ ૬૭ વર્ષના હતા. અસ્વસ્થ હોવાને કારણે તેઓ રોજબરોજના રાજકારણમા ચંચુપાત કરતા નહોતા પરંતુ સરકારના ફેંસલા પર નજર રાખતા હતા અને સરકારને બિરદાવતા હતા.

પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં વિદેશમંત્રી રહેલા સુષ્માએ દેશની બહાર રહેતા ભારતીય લોકોના દિલમા પોતાની ખાસ જગ્યા બનાવી હતી. તેઓ વિલંબ કર્યા વગર તેઓની સમસ્યાનો ઉકેલ લાવતા હતા. હાલમાં જ કુલભૂષણ જાધવનો પરિવાર તેમનો મળ્યો હતો. સુષ્મા વિદેશ મંત્રી હતા ત્યારે જ ભારતે કુલભૂષણના મામલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પડકાર્યો હતો.

ભાજપના ઓજસ્વી વકતાઓની શ્રેણીમાં ગણાતા સુષ્માનો જન્મ ૧૪ ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ હરીયાણાની અંબાલા છાવણીમાં થયો હતો. ૧૯૭૭માં માત્ર ૨૫ વર્ષની ઉંમરમાં તેઓ હરીયાણા સરકારમાં કેબીનેટ પ્રધાન બન્યા હતા.

સુષ્માની રાજકીય કારકિર્દીએ ૧૯૯૯માં મોટો મોડ લીધો હતો અને તેમને સોનિયા ગાંધી વિરૂદ્ધ કર્ણાટકની બેલારી બેઠક ઉપરથી ચૂંટણીના રણ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ભાજપનું આ પગલુ વિદેશી બહુ સોનિયા ગાંધીના જવાબમાં ભારતીય બેટીને ઉતારવાની નીતિનો હિસ્સો હતો. જો કે સુષ્મા ચૂંટણી હારી ગયા હતા. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તેઓ વિદીશાથી ચૂંટણી જીત્યા હતા. તે પછી તેમને વિદેશમંત્રી બનાવવામાં આવ્યા હતા.

(3:33 pm IST)