Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

હૈતીના રાષ્ટ્રપતિ જોવેનલ મોઇસની ઘરમાં ધૂસીને હત્યા :હુમલામાં ફર્સ્ટ લેડી ઘાયલ

ઘરમાં ઘુસી આવેલા ત્રાસવાદીઓએ રાષ્ટ્રપતિ જોવેનલ મોઇસને ગોળી મારીને હત્યા કરી

હૈતીના રાષ્ટ્રપતિ જોવેનલ મોઇસના કેરેબિયન રાષ્ટ્રના ઘરમાં હુમલો કર્યો અને તેમની હત્યા કરી દીધી. અહીંના વચગાળાના વડા પ્રધાન ક્લાડી જોસેફ દ્વારા રાષ્ટ્રપતિની હત્યાની પુષ્ટિ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં ઘુસી આવેલા ત્રાસવાદીઓએ રાષ્ટ્રપતિ જોવેનલ મોઇસને ગોળી મારીને હત્યા કરી હતી. રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વતી, આ ઘોર હત્યાકાંડ અંગે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે, બુધવારે બપોરે એક વાગ્યે આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ફર્સ્ટ લેડીને પણ ઈજા પહોંચી છે.

એવી માહિતી મળી છે કે કેટલાક અજાણ્યા લોકો રાષ્ટ્રપતિના ખાનગી નિવાસસ્થાને ગયા અને તેમના પર હુમલો કર્યો. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જે બાદ તેમનું મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે કમાન્ડો જૂથે આ હત્યાકાંડ કર્યો છે અને તેમની પાસે વિદેશી હથિયારો હતા.

વચગાળાના વડા પ્રધાન ક્લાડી જોસેફે કહ્યું કે ફર્સ્ટ લેડીને પણ ગોળી વાગી હતી, પરંતુ આ હુમલામાં તેમનો જીવ બચી ગયો હતો. વચગાળાના વડા પ્રધાને આ હુમલાની નિંદા કરી છે. તેમણે તેને ધિક્કારનીય, અમાનવીય અને બર્બર કૃત્ય ગણાવ્યું છે અને લોકોને સંયમ જાળવવા અપીલ કરી છે. જોસેફે કહ્યું છે કે 'દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા તમામ પગલાં લેવામાં આવ્યા છે. લોકશાહી અને પ્રજાસત્તાક જીતશે'.

કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, થોડા મહિના પહેલા, હૈતીના રાષ્ટ્રપતિ જોવેનલ મોઇસને ડર હતો કે દેશના કેટલાક લોકો તેમની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમની સરકારને ઉથલાવી શકે છે. આ કિસ્સામાં, ફેબ્રુઆરી 2021 માં પોલીસે તેમની હત્યા કરવાનો પ્રયાસ કરી રહેલા અને તેમની સરકારને ઉથલાવી પાડનારા કેટલાક લોકોની ધરપકડ કરી. ત્યારબાદ મોઇસે દાવો કર્યો હતો કે નવેમ્બર 2020 માં આ કાવતરું શરૂ થયું હતું. જોકે, તેમણે આ અંગેની કોઈ વિગતો કે પુરાવા જાહેર કર્યા નથી. તેમણે એટલું જ કહ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાં ન્યાયાધીશ અને પોલીસ મહાનિરીક્ષક હતા.

(8:00 pm IST)