Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મીડિયાના સ્વતંત્રતા પર કાપ મુકનારા નેતાઓની યાદીમાં મોદી, કિમ જોંગ ઉન, ઇમરાનખાન, શી જીનપિંગ સહિત ૩૭ લોકોના નામ

પ વર્ષ પછી બહાર પડાયું લીસ્ટ

નવી દિલ્હી તા. ૭ :.. દુનિયામાં મીડિયાના સ્વાતંત્ર્ય પર કાપ મુકનારાઓની યાદીમાં ભારતના વડાપ્રધાન મોદીનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. આ લીસ્ટમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનખાન, કિમ જોંગઉન, શી જીનપીંગ સહિત ૩૭ નામ સામેલ છે. આ લીસ્ટ રિપોર્ટસ વિધાઉટ બોર્ડસ (આર. એસ. એફ.) દ્વારા બનાવાયું છે.

સોમવારે બહાર પડાયેલ આ લીસ્ટ પાંચ વર્ષ પછી આવ્યું છે. આ પહેલા આવું લીસ્ટ ર૦૧૬ માં જાહેર કરાયું હતું. ગ્લોબલ પ્રેસ સંસ્થાએ કહયું કે આ લીસ્ટમાં સામેલ ૩૭ નેતાઓમાંથી ૧૭ના નામ પહેલીવાર ઉમેરવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે આ નેતાઓએ અભિવ્યકિત પર રોક લગાવવાનો પ્રયાસ તો કર્યો જ તે ઉપરાંત પત્રકારોને મનસ્વી રીતે જેલમાં પણ પુર્યા છે. આ લીસ્ટમાં ૧૯ દેશોને લાલ કલરથી દેખાડવામાં આવ્યા છે. એટલે કે આ દેશોને પત્રકારત્વ બાબતે સૌથી ખરાબ સ્થિતિ વાળા દેશોમાં રખાયા છે. જયારે ૧૬ દેશોને કાળા કલરથી દેખાડયા છે. એટલે ત્યાં સ્થિતિ અત્યંત ખરાબ છે.

આ યાદીમાં સામેલ અન્ય નામો જોઇએ તો સાઉદી અરબના ક્રાઉન પ્રીન્સ, મોહમ્મદ બિન સલમાન, બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર બોલસેનારો, હંગેરીના વિકટર ઓર્બાન, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, સીરીયાના બશર અલ અસદ, ઇરાનના સર્વોચ્ચ નેતા ખામનેઇ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને બેલારૂસના લુકાશેંકો સામેલ છે.

આ વખતે તૈયાર કરાયેલ લીસ્ટમાં આરએસએફએ આ નેતાઓની સંપૂર્ણ ફાઇલ તૈયાર કરી છે જેમાં પ્રેસ પર હુમલાની રીતોને નોંધવામાં આવી છે. એમાં એ વાતનો ઉલ્લેખ છે કે તેઓ કેવી રીતે પત્રકારોને નિશાન બનાવે છે અને કઇ રીતે આ દેશોમાં મીડિયા પર સેન્સર છે.

(11:37 am IST)