Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ભારતીય સેનામાં મહિલા ઓફિસરોના સ્‍થાયી કમિશન મામલે સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદાના અનુપાલન માટે કેન્‍દ્ર સરકારને વધુ એક મહિનાનો સમય આપ્‍યો

નવી દિલ્હી: ભારતીય સેનામાં મહિલા ઓફિસરોના સ્થાયી કમિશન મામલે સુપ્રીમ કોર્ટે આજે પોતાના ચુકાદાના અનુપાલન માટે કેન્દ્ર સરકારને વધુ એક મહિનાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારને પોતાના નિર્દેશોનું પૂર્ણ અનુપાલન સુનિશ્ચિત કરવા માટે  કહ્યું છે.

જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પેનલે કહ્યું કે કેન્દ્રએ તેમના ચુકાદામાં અપાયેલા તમામ નિર્દેશોનું પાલન કરવું પડશે. સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ કેન્દ્ર તરફથી દાખલ કરાયેલી એક અરજી પર આપ્યો જેમાં કેન્દ્રએ કોરોનાના કારણે સ્થાયી કમિશન લાગુ કરવા અને મહિલા ઓફિસરોને કમાન્ડ પોસ્ટિંગની જોગવાઈ માટે 6 મહિનાનો વધુ સમય માંગ્યો હતો. રક્ષા મંત્રાલયે કહ્યું કે અમે નિર્ણય લેવાના અંતિમ તબક્કામાં છીએ.

કેન્દ્ર સરકાર તરફથી બાલા સુબ્રમણ્યમે કોર્ટને કહ્યું કે ભારતીય સેનામાં મહિલા ઓફિસરોને સ્થાયી કમિશનને લઈને ઓર્ડર ગમે ત્યારે આવી શકે છે. પરંતુ કોરોનાના જોતા હજુ વધુ સમય આપવો જોઈએ.

મહિલા ઓફિસરો તરફથી હાજર થયેલા વકીલ મીનાક્ષી લેખીને કોર્ટે પૂછ્યું કે શું હજુ વધુ સમય આપવો ન જોઈએ. ત્યારબાદ વકીલ મીનાક્ષી લેખીએ કહ્યું કે સમય વધુ આપી શકાય પરંતુ સુપ્રીમ કોર્ટ તેની નિગરાણી કરે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં રક્ષા મંત્રાલયે કહ્યું છે કે કોરોનાના લીધે લોકડાઉન થયું જેના કરાણે ઓફિસો બંધ રહી, અને કર્મચારીઓની ઉપસ્થિતિ ઓછી રહી આથી કોર્ટ દ્વારા અપાયેલા ત્રણ મહિનામાં તેને લાગુ કરી શકાયું નથી.

અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે 17 ફેબ્રુઆરીના રોજ પોતાના ઐતિહાસિક ચુકાદામાં નિર્દેશ આપ્યો હતો કે સેનામાં તમામ મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન અને કમાન્ડ પોસ્ટિંગ આપવામાં આવે. કોર્ટે મહિલાઓની શારીરિક મર્યાદાનો હવાલો આપતા કેન્દ્રના વલણને ફગાવતા તેને લૈંગિંક રૂઢીઓ અને મહિલાઓ વિરુદધ લૈંગિક ભેદભાવ આધારિત ગણાવ્યો હતો.

(4:42 pm IST)