Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

હુંબલ પરિવારના માઠા પ્રસંગે ભેગા થયેલા ૧૩ને કોરોના વળગ્યો : વૃધ્ધાનું મોત

કોઠારિયા રોડના દિપ્તીનગરમાં રહેતા ઘુસાભાઇ હુંબલના અવસાન બાદ ઉત્તરક્રિયામાં ૨૫૦ થી ૩૦૦ લોકો ભેગા થયેલા : હુંબલ પરિવારનાં જ ૮ના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ : મૃતક ઘુસાભાઇના ધર્મપત્ની અમરબેન (ઉ.વ.૬૦)નું ગઇ રાત્રે કોરોનાથી અવસાન : આરોગ્ય તંત્રમાં જબરી દોડધામ

રાજકોટ, તા.,૭: કાળમુખો કોરોના વરસાદી સીઝનમાં વધુ બિહામણુ સ્વરૂપ ધારણ કરી રહ્યો હોવાનો પુરાવો મળવા પામ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાએ તાંડવ મચાવતા ૩૦ પોઝીટીવ કેસ બહાર આવતા આરોગ્ય તંત્ર દોડવા લાગ્યુ છે તથા લોકોમાં ફફડાટ પણ ફેલોાઇ ગયો છે.

આજે રાજકોટ શહેરના એક જ પરિવારના ૧૬ સભ્યો સહિત નવા કુલ ૨૭ કેસ સામે આવ્યા છે. તો ગ્રામીણ વિસ્તાર સાથે કુલ કેસ ૩૦ નોંધાયાનું જાણવા મળે છે. ગઇ સાંજથી જ શહેર-જિલ્લામાં કુલ ૩૭ નવા કેસ નોંધાયા છે અને ૫ લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. સત્તાવાર વિગતો રાહ જોવાઇ રહી છે.

રાજકોટમાં એક જ પરિવારના ૧૬ સભ્યોને કોરોના થયાનું માલુમ પડતા પરિવાર તથા તે જ્ઞાતિમાં ખળભળાટ મચી ગયો છે. જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટના કોઠારિયા રોડ ઉપરની દિપ્તીનગર મેઇન રોડ પર રહેતા ઘુસાભાઇ હુંબલનું મૃત્યુ થોડા દિવસ અગાઉ થયેલ. આથી હુંબલ પરિવારના આ માઠા પ્રસંગે (ઉત્તરક્રિયા)માં ૨૫૦ થી ૩૦૦ લોકો એકઠ્ઠા થયા હતા તે પછી અમુક લોકોની તબિયત લથડતા તેઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને તેમાંથી ૧૬ને પોઝીટીવ આવતા હજુ વધુ કેસ બહાર આવે તેવી શકયતા છે.

દરમિયાન ગઇ રાત્રે ઉકત ગુજરનાર ઘુસાભાઇ હુંબલના ધર્મપત્ની અમરબેન ઘુસાભાઇ હુંબલ (ઉ.૬૦)નું કોરોનાથી મોત નિપજ્યું હતું. તેઓને ૫ જુલાઇએ કોરોનાનું નિદાન થતાં સારવાર હેઠળ હતા. ચોંકાવનારી બાબત એ છે કે આ વૃધ્ધાના સંપર્કમાં આવેલા પરીવારજનો સગા સબંધી મળી બીજા ૧૩ લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેમાંથી ૯ સભ્યો હુંબલ પરિવારનાં જ છે. જેમાં નૈમિષ વિરભાનુ હુંબલ (ઉ.૧૮), વિરભાનુભાઇ ઘુસાભાઇ હુંબલ (ઉ.૩૭) રહે. દિપ્તીનગર મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ. વરજાંગભાઇ જયતાભાઇ હુંબલ (ઉ.૪૫), હરદેવ વરજાંગભાઇ હુંબલ (ઉ.૧૮),

વનરાજભાઇ જયતાભાઇ હુંબલ (ઉ.૪૦), ગીતાબેન વનરાજભાઇ હુંબલ (ઉ.૩૭), જાનવીબેન વનરાજભાઇ હુંબલ (ઉ.૧૮), નિર્ભય વનરાજભાઇ હુંબલ (ઉ.૧૪) રહે. મયુર પાર્ક-૧, જયનાથ હોસ્પિટલ સામે, ભકિતનગર સર્કલ, રાજકોટ. દિપાલીબેન અર્જુનભાઇ હુંબલ (ઉ.૨૨) રહે. શિવમ પાર્ક-૧, ભકિતનગર સર્કલ, રાજકોટ વગેરેનો સમાવેશ થાય છે.

આ સિવાયના ૧૪ મળી આજ સવારના કુલ ર૭ પોઝીટીવ  જાહેર થતા આરોગ્ય તંત્રમાં અને હોસ્પીટલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. (૨૧.૨૪)

દિપ્તીનગર આસપાસના પાંચ વિસ્તારોના ૪૮ લોકો કોરન્ટાઇન

રાજકોટ : આજે દિપ્તીનગરનાં હુંબલ પરિવારના ૯ વ્યકિતઓને કોરોના પોઝિટિવ આવતા આસપાસનાં વાલ્કેશ્વર, મેઘાણીનગર, ખોડિયાર, દિપ્તીનગર, મયુર પાર્ક વગેરે વિસ્તારનાં જે લોકો હુંબલ પરિવારના સંપર્કમાં આવેલ તેવા ૪૮ વ્યકિતઓને આરોગ્ય તંત્રએ હોમ કોરન્ટાઇન કર્યા હતા

(3:05 pm IST)