Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રૂપાણી - અલ્પેશ ઠાકોર સામે બિહારમાં ફરિયાદ

બિહારીઓ ઉપર અત્યાચારનો આરોપ : ૨૦૧૮નો છે મામલો : સામાજિક કાર્યકરે કરેલા કેસ બાદ હવે પોલીસ સ્ટેશનમાં FIR

મુઝફફરપુર તા. ૭ : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ અહિંના કાંટી થાનામાં ૧૫૩, ૨૯૫, ૫૦૪ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઇઆર આહિયાપુર પોલીસ સ્ટેશન હેઠળના ભિખનપુર ગામના સામાજિક કાર્યકર તમન્ના હાશમી તરફથી દાખલ કેસના આધારે એફઆઇઆર દાખલ થઇ છે. તમન્ના હાશમીના કેસમાં સબ જજ તથા અપર મુખ્ય ન્યાયિક દંડાધિકારીની અદાલતે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. કેસમાં તેમણે ગુજરાતમાં બિહારીઓ સાથે ખરાબ વર્તન તથા ત્યાંથી પરાણે કાઢી મુકવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

તમન્ના હાશમીએ કહ્યું છે કે મને કાંટી પોલીસ સ્ટેશને બોલાવી નિવેદન લેવડાવાયું હતું. પોલીસ સ્ટેશનના અધિકારી કુંદન કુમારે કહ્યું છે કે એફઆઇઆર નોંધી કેસની તપાસ થઇ રહી છે.

અત્રે એ નોંધનિય છે કે, મુઝફફરપુરના સામાજીક કાર્યકર તમન્ના હાશમીએ એસીજેએમ ગૌરવ કમલની કોર્ટમાં એક કેસ દાખલ કર્યો હતો. તેમણે ગુજરાતમાં બિહારીઓ પર અત્યાચાર અને તેઓને ત્યાંથી કાઢી મુકાયાનો આરોપ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સ્થાનિક ધારાસભ્ય તથા બિહાર કોંગ્રેસના સહપ્રભારી અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ કોર્ટમાં પરિવાર દાખલ કરેલ હતો.

એ વખતે હાશમીએ કહ્યું હતું કે, ૯-૧૦-૨૦૧૮ના રોજ વિવિધ ટીવી ચેનલો પર સમાચારો પ્રસારિત થતા હતા કે બિહારના લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે અને તેઓને ગુજરાતથી ભગાડી મુકવામાં આવી રહ્યા છે. બિહારી હોવાને કારણે આ સમાચારથી મને ઠેસ પહોંચી હતા. અલ્પેશ ઠાકોર પર તેનો આરોપ મુકતા તેમણે કેસમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે દેશ તોડવાના આ પ્રયાસમાં મુખ્યમંત્રી રૂપાણીએ તેમને સાથ આપ્યો હતો.

તમન્ના હાશમીએ આરોપ લગાવ્યો હતો કે ૯-૧૦-૨૦૧૮ના રોજ હું ટીવી ચેનલ જોતો હતો. ત્યારે દામોદરપુરનો એક કાર્યક્રમ બતાવાનો હતો. જેમાં બિહારના લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું હતું. એટલું જ નહિ બિહારીઓને ભગાડી મૂકાતા હતા. આરોપીઓના આ વર્તાવથી બિહાર અને બિહારના લોકોનું અપમાન થયું છે. આ પ્રકારના સમાચારો જોઇ મને ઠેસ પહોંચી છે.

અત્રે એ નોંધનિય છે કે ઓકટોબર ૨૦૧૮માં સા.કાંઠા જિલ્લામાં ૧૪ માસની બાળા ઉપર રેપની ઘટના બાદ બીનગુજરાતી લોકો પર કથીત રીતે હુમલા - મારપીટ કરી ભગાડી દેવાના હતા. ઘટના બાદ ગુજરાતમાં રહેતા બિહાર અને યુપીના લોકો પલાયન થવા લાગ્યા હતા. જોકે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. સાથોસાથ કહ્યું હતું કે, ઘટનામાં દોષિત હોય તેને સજા મળવી જોઇએ. પણ બીજાને હેરાન કરવા ન જોઇએ.

(10:59 am IST)