Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કોરોના વાયરસને લઇને વધુ એક ખુલાસો આપણી સોશિયલ ડિસ્ટેંસની રીત પણ ખોટી!!!

નવી દિલ્હી, તા.૭: દુનિયા આખી માટે માથાનો દુખાવો બનેલા કોરોના વાયરસને લઈને નીત નવા તથ્યો સામે આવી રહ્યાં છે. ખાસ કરીને કોરોના વાયરસ કેવી કેવી રીતે ફેલાય છે તેને લઈને. હવે ભારતના એક ઈન્સ્ટિટ્યૂટે દાવો કર્યો છે કે, કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે.

આ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા પ્રમાણે દરેક વ્યકિતએ મોઢા પર માસ્ક પહેરવું ફરજિયાત છે. કારણ કે, કોરોના વાયસર હવામાં પણ જીવિત રહે છે અને અહીંથી તે લોકોમાં ફેલાય છે. નિષ્ણાંતોએ સોશિયલ ડિસ્ટેંસિંગના અંતરને લઈને પણ જાણકારી આપી હતી.

બેન્ગાલુરૂની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સના વિજ્ઞાનીઓએ કરેલાં સંશોધન અનુસાર કોરોના વાઇરસ ધરાવતાં કફના ટીપાં હવામાં નાશ પામતાં પહેલાં આઠથી તેર ફૂટ સુધી તરતા રહે છે. મેથેમેટિકલ મોડલમાં આ બાબત ધ્યાને આવી હતી. આ સંશોધન જર્નલ ફિઝિકસ ઓફ ફલુઇડમાં પ્રકાશિત થયું છે. સંશોધકોએ ડિઝાઇન કરેલા આ મેથેમેટિકલ મોડેલમાં તંદુરસ્ત વ્યકિતને આ ટીપાં કેવી રીતે ચેપ લગાડે છે તે સમજવા માટે ટીપાના એરોડાયનેમિકસ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. કેનેડા અને અમેરિકાના સંશોધકો પણ આ સંશોધનમાં સામેલ થયા હતા.

અમેરિકાની જાણીતી કેલિફોર્નિયા યુનિવર્સિટીના અભિષેક સાહાએ જણાવ્યું હતું કે, હવા તથા અન્ય અસર કરે તેવા પરિબળોની ગેરહાજરીમાં આ ટીંપા આઠથી તેર ફૂટ હવામાં તરતા રહે છે. આમ સોશ્યલ ડિસ્ટન્સિંગ ૬ ફૂટ કરતાં વધારે જ હોવું જોઇએ. આ ટીપાનું કદ ૧૮થી ૫૦ માઇક્રોનનું હોવાથી તેની સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું પણ એટલુ જ જરૂરી બની જાય છે.

(10:16 am IST)