Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

ચીનમાં કોરોના વાયરસ એન્ટીબોડીઝ સાથે જન્મ્યું દુનિયાનું પ્રથમ બાળક: ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત

બાળકને પોતાની માતામાંથી કુદરતી રીતે જ એન્ટીબોડીઝ મળ્યા: બાળક અને માતા બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ

હુબેઈ : ચીનના શેનઝેન શહેરમાં કોરોના વાયરસ એન્ટીબોડીઝ સાથે એક બાળકનો જન્મ થયો છે. ડોક્ટર્સના કહેવા પ્રમાણે બાળકને પોતાની માતામાંથી કુદરતી રીતે જ એન્ટીબોડીઝ મળ્યા છે. શેનઝેન થર્ડ હોસ્પિટલે તે મહિલા અને બાળકના કેસને સમજવા માટે અભ્યાસ શરૂ કર્યો છે. તે મહિલા એપ્રિલ મહીનામાં કોરોના પોઝિટિવ નોંધાઈ હતી પરંતુ તેનામાં કોઈ લક્ષણો નહોતા જણાતા. ડિલિવરી બાદ જ્યારે તપાસ કરવામાં આવી તો બાળક અને માતા બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

મહિલાએ ગત 30 મેના રોજ શેનઝેન થર્ડ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. તે મહિલા મૂળરૂપથી હુબેઈની રહેવાસી છે અને હુબેઈના વુહાન ખાતેથી જ કોરોના મહામારી શરૂ થઈ હતી. ડોક્ટર્સના કહેવા પ્રમાણે બાળકમાં કુદરતી રીતે જ વાયરસ સામે લડવાની ક્ષમતા છે.

મહિલાનું સાચું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે અને એપ્રિલમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારબાદ આશરે 10 દિવસ સુધી તેની ટ્રીટમેન્ટ ચાલી હતી.

તે મહિલા શેનઝેન ખાતે જ રહીને કામ કરે છે પરંતુ જાન્યુઆરી મહીનામાં તેણી પોતાના પતિ સાથે પરિવારને મળવા હુબેઈના વુચાંગ શહેર ગઈ હતી. તે સમયે તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેની માતા પણ ફેબ્રુઆરીમાં કોરોના પોઝિટિવ આવી હતી.

(9:59 pm IST)