Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

નીતિશ કુમારનાં નેતૃત્વમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA બે તૃતિયાંશ બહુમતી હાંસલ કરશે : અમિતભાઇ શાહ

વર્ચ્યુઅલ રેલીને ચૂંટણી સાથે કોઇ સંબંધ નથી, કોરોનામાં પણ અમે જનસંપર્ક નહીં ભૂલીએ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિતભાઈ શાહે બિહારના લોકોને ડિજિટલ રેલીને આધારે સંબોધિત કર્યા હતા, આ ડિજિટલ રેલીને બિહાર જનસંવાદ રેલીનું નામ આપવામાં આવ્યું. તેઓએ કહ્યું, ‘આ રેલીનો ચૂંટણી સાથે કોઇ જ સંબંધ નથી. ભાજપા લોકતંત્રમાં વિશ્વાસ રાખે છે. કોરોના સંકટમાં અમે જનસંપર્કનાં પોતાનાં સંસ્કારને ભૂલી ના શકીએ. હું ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષજીને શુભકામના પાઠવું છું કે 75 વર્ચ્યુઅલ રેલીનાં માધ્યમથી તેઓએ જનતા સાથે ભાજપને જોડાવાનો મોકો આપ્યો છે.’

 અમિતભાઇ શાહે વધુમાં એમ પણ કહ્યું, ‘જે વક્રદ્રષ્ટા લોકો આમાં પણ રાજનીતિ દેખે છે તેમને હું કહેવા માંગુ છું કે, કોણે તેમને રોક્યાં, દિલ્હીમાં બેસીને મોજ કરવાની જગ્યાએ દિલ્હીથી લઇને પટના અને દરભંગાની જનતાને જોડવા માટે એક વર્ચ્યુઅલ રેલી જ કરી લેતા. આ રાજનૈતિક દળનાં ગુણગાન ગાવાની રેલી નથી. આ રેલી જનતાને કોરોનાની વિરૂદ્ધ જંગમાં જોડવા અને તેનાં હોંસલાને બુલંદ કરવા માટે છે.’

 શાહે કહ્યું કે, ‘2014માં મોદીજીએ કહ્યું હતું કે, ભારતનો વિકાસ જે અત્યાર સુધી ચાલ્યો તેમાં પશ્ચિમી ભારત અને પૂર્વી ભારતનાં વિકાસમાં ખૂબ મોટું અંતર છે. આઝાદીનાં સમયે જીડીપીની અંદર પૂર્વી ભારતનું યોગદાન ખૂબ જ વધારે હતું, પરંતુ આઝાદી બાદથી જે પ્રકારે સરકારો ચાલી તેઓએ પૂર્વી ભારતનાં વિકાસથી મો ફેરવી લીધું હતું અને પરિણામ એ આવ્યું કે, પૂર્વી ભારત પછાત થતું ગયું.’

શાહે કહ્યું કે, ‘આજે જ્યારે વર્ચ્યુઅલ રેલીનાં માધ્યમથી આપની સાથે હું સંવાદ કરી રહ્યો છું ત્યારે કેટલાંક લોકોએ થાળી વગાડીને આ રેલીનું સ્વાગત કર્યું છે. મને ખૂબ સારું લાગ્યું કે પીએમ મોદીની અપીલને તેઓએ મોડેકથી પણ માની. આ રેલી રાજકીય પાર્ટીનાં ગુણગાન ગાવાની રેલી નથી. અમિત શાહે કોરોના યોદ્ધાને સલામ કરતા કહ્યું કે આ રેલીને ચૂંટણી સાથે કોઇ જ સંબંધ નથી. આ રેલી તો જનસંપર્ક માટેની રેલી છે. આ રેલી આત્મવિશ્વાસથી ભરપૂર, આત્મનિર્ભર ભારત બનાવવાની તૈયારીને લઇને દેશની જનતાને જોડવા માટે કરવામાં આવી છે.’

વિપક્ષ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું, ‘રાહુલ ગાંધી હંમેશા કહેતા કે ખેડૂતોનું દેવું માફ કરો. 10 વર્ષ તેમની સરકાર રહી હતી, તો તેઓ દાવો કરે છે તો લગભગ 3 કરોડ ખેડૂતોનું 60 હજાર કરોડ રૂપિયાનું દેવુ માફ કર્યું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનાં માધ્યમથી 9.5 કરોડ ખેડૂતોનાં બેંક ખાતામાંથી 72,000 કરોડ રૂપિયા દર વર્ષે નાંખવાની વ્યવસ્થા કરી છે.’

અમિતભાઇ શાહે કહ્યું કે, ‘RCEPની ચર્ચા તો કોંગ્રેસ શરૂ કરીને ગઇ હતી. તેનાં કારણે નાના ખેડૂતો, માછિમારો, નાના વેપારીઓ અને નાના ઉદ્યોગો ખુવાર થઇ જતાં પરંતુ વડાપ્રધાને નાના ખેડૂતો, નાના વેપારીઓનાં હિતમાં દ્રઢતાથી નિર્ણય લેતા RCEP સમજૂતીથી ભારતને અલગ કરી લીધું.

તેઓએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, ‘હું પરિવારવાદી લોકોને આજે કહેવા માંગુ છું કે પોતાનો ચહેરો અરીસામાં જોઇ લો. 1990-2005 દરમ્યાન તેમનાં શાસનમાં બિહારનો વિકાસ દર 3.19 ટકા હતો. જ્યારે આજે નીતિશ કુમારનાં નેતૃત્વમાં 11.3 ટકા સુધી પહોંચાડવાનું કામ NDAની સરકારે કર્યું છે. મને વિશ્વાસ છે કે નીતિશ કુમારનાં નેતૃત્વમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA બે તૃતિયાંશ બહુમતી હાંસલ કરશે. તેમનું કહેવું છે કે રાજ્ય હવે લાલટેન યુગથી એલઇડી યુગમાં પહોંચી ગયું છે.’

(8:17 pm IST)