Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

લીકર ઉપરને કોરોના સેસ હટાવી વેટ ૨૫ ટકા કરાયો

દિલ્હીની કેજરીવાલ સરકારનો નિર્ણય : દિલ્હીવાસીઓ માટે દારુ સસ્તો થયો, કોરોના ટેક્સ નાબૂદ

નવી દિલ્હી, તા. ૧૧  : દિલ્હીવાસીઓને ચોમાસાના પ્રારંભ પૂર્વે સરકારે સારા સમાચાર આપ્યા છે. આપ સરકારે દારૂના વેચાણ ઉપર નાંખવામાં આવેલી વિશેષ ૭૦ ટકા કોરોના સેસને નાબૂદ કરી દીધી છે. આ સાથે જ દિલ્હીમાં પ્યાસીઓને હવે સસ્તા દરે દારૂ મળી શકશે. જો કે સરકારે પોતાની આવકમાં વધારો કરવા માટે વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)ને ૨૦ ટકાથી વધારીને ૨૫ ટકા કર્યો છે. એક અધિકારીએ જણાવ્યા મુજબ દિલ્હી સરકારે તમામ પ્રકારની લીકર પરથી ૭૦ ટકા કોરોના સેસ નાબૂદ કરીને વેટ વધારી ૨૫ ટકા કરવાનો નિર્ણય કર્યો છે.  ૧૦ જૂનથી દારૂના વેચાણ પર આ નવા નિયમો લાગુ થશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

          દિલ્હીમાં લોકડાઉન વચ્ચે ગત મહિને લીકર વેચાણને છૂટછાટ આપવામાં આવી હતી ત્યારે લાયસન્સ લીકર શોપ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થતું હોવાનું જણાયું હતું. જેને પગલે દિલ્હી સરકારે દારૂના વેચાણ ઉપર ૭૦ ટકા સ્પેશ્યલ કોરોના ટેક્સ નાંખ્યો હતો. આ ઉપરાંત દારૂ ખરીદવા માટે ટોકન સિસ્ટમ પણ અમલમાં મૂકી હતી જેથી દુકાનો પર વધુ ભીડ એકત્ર ના થાય. કોરોના વાયરસ મહામારીમાં લોકડાઉનને પગલે દિલ્હી સરકારની આવકમાં નોંધપાત્ર ગાબડું પડ્યું હતું.

(7:53 pm IST)