Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

સીમા વિવાદ પ્રશ્ને નેપાળ હવે ભારત સાથે વાતચીત કરવા માટે તૈયાર

સમાધાન માટે બંને દેશોના સચિવા વચ્ચે બેઠક યોજાશે.

નવી દિલ્હી: નેપાળ અને ભારત વચ્ચે છેડાયેલો સરહદ વિવાદ હવે એક નવા વળાંક પર જતો જોવા મળી રહ્યો છે. આવું એટલા માટે કારણ કે, નેપાળે સરહદ વિવાદના સમાધાન માટે બન્ને દેશોના વિદેશ સચિવો વચ્ચે બેઠક કરવા માટે તૈયાર હોવાનું જણાવ્યું છે.

એક ડિપ્લોમેટિક નોટમાં નેપાળ સરકાર કહે છે કે, વિદેશ સચિવ આમને-સામને અથવા વર્ચ્યુઅલ મિટિંગમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાના મુદ્દે વાત કરી શકે છે. ગત મહિને ભારતે કહ્યું હતું કે, કોરોના મહામારીની સ્થિતિ સુધર્યા બાદ વિદેશ સચિવ હર્ષવર્ધન સિંગલા અને નેપાળી સમકક્ષ શંકરદાસ બૈરાગી આ મુદ્દે વાતચીત કરશે. જો કે હવે કોરોના વાઈરસે અનિશ્ચિતતા ઉભી કરી દીધી છે. ક્યાં સુધી કોરોનાનો પ્રકોપ રહેશે? કશું જ કહી શકાય તેમ નથી. આથી નેપાળ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરવા માટે કહી રહ્યું છે.

જણાવી દઈએ કે, નેપાળની કેપી શર્મા ઓલી સરકારે ગત મહિનાના અંતમાં નવો નક્શો નેપાળની સંસદમાં રજૂ કર્યો હતો. જેમાં નેપાળે ભારતના કુલ 395 વર્ગ કિલોમીટરના વિસ્તારને પોતાનો ગણાવ્યો છે. જેમાં લિમ્પિયાધૂરા, લિપુલેખ અને કાલાપાની ઉપરાંત ગૂંજી, નાભી અને કુંટી ગામને પણ સામેલ કરી દીધા છે.

નેપાળ ભારત અને તિબેટના ટ્રાઈ જંક્શન પર સ્થિતિ કાલાપાની અંદાજે 3600 મીટરની ઊંચાઈ પર આવેલ છે. ભારત મુજબ, 35 વર્ગ કિલોમીટરનો આ વિસ્તાર ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાનો ભાગ છે. જ્યારે નેપાળનું કહેવું છે કે, આ વિસ્તાર તેમના દારચૂલા જિલ્લામાં આવે છે.

નેપાળના આ પગલાથી ભારત સાથેના તેના સબંધો વણસ્યા છે. ભારતે સ્પષ્ટ કરી દીધુ છે કે, તે પોતાના સાર્વભૌમત્વ સાથે સમજૂતી નહીં કરે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ સરહદ વિવાદનું સમાધાન વાટાઘાટોથી લાવવા માટે આગળ વધવું જોઈએ. જે બાદ નેપાળે પિથોરાગઢ સાથે સંકળાયેલી બોર્ડર પર વર્ષો જૂના એક રોડ પ્રોજેક્ટનું કામ શરૂ કરી દીધુ હતુ.

ઉલ્લેખનીય છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહે જ્યારે લિપુલેખથી કૈલાશ માનસરોવર જવાના માર્ગનું ઉદ્ઘાટન કર્યુ, ત્યારથી નેપાળે તેનો વિરોધ કર્યો હતો. જે બાદ 18-મેના રોજ નેપાળે નવો નક્શો જાહેર કર્યો. જે બાદ બન્ને દેશો વચ્ચે અંતર વધતુ ગયું છે.

(4:45 pm IST)