Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

ચીનની આક્રમકતા સામે અમેરિકા સહિત ૮ દેશોનું એલાયન્સ

લોકતાંત્રિક દેશોના સાંસદોનો સમાવેશ થયો

નવી દિલ્હી: કોરોના વાઈરસ અને અન્ય સ્થાનિક મુદ્દાઓને લઈને ચીનની વધતી જતી આક્રમક્તાને જોતા અમેરિકા સહિત વિશ્વના 8 દેશોએ એક રણનીતિ અંતર્ગત ગઠબંધન કર્યું છે. વાસ્તવમાં ચીનને ઘેરવા માટે દુનિયાના 8 લોકતાંત્રિક દેશોના વરિષ્ઠ સાંસદોએ ક્રોસ પાર્લામેન્ટરી એલાયન્સની શરૂઆત કરી છે.

તમામ દેશના આ ગઠબંધનની શરૂઆત ચીનના વધતા પ્રભાવના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર, સુરક્ષા અને નાગરિક અધિકારોને લઈને ઉભા થનારા જોખમને જવાબ આપવામાં અને તેની સામે લડવા માટે કરવામાં આવી છે.

બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર, ક્રોસ પાર્લામેન્ટરી એલાયન્સને શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું. આ ગઠબંધન એવા સમયે બનાવવામાં આવ્યું છે, જ્યારે અમેરિકા અને ચીનની વચ્ચે આર્થિક ગતિવિધીઓને લઈને તનાવ ચાલી રહ્યો છે. આ સાથે જ કોરોના વાઈરસ, સાઉથ ચાઈના સી અને હૉંગકૉંગને લઈને ચીન આખી દુનિયાના નિશાના પર છે. આ ઉપરાંત ભારત સાથે લદ્દાખ સરહદ પર ચાલતા તનાવ ઉપર પણ સમગ્ર વિશ્વની નજર છે.

તાજેતરમાં ચીને હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લાગૂ કર્યો છે. આ સાથે જ રાષ્ટ્રગાનને લઈને એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. જેને લઈને અમેરિકા અને બ્રિટને ચીનની નિંદા કરી છે. અમેરિકાએ ચીનના આ પગલાને શહેરના સાર્વભૌમત્વ માટે ખતરો ગણાવ્યો છે.

શું કહેવું છે ચીનનું?

આઠ દેશોના આ ઈન્ટર પાર્લામેન્ટરી એલાયન્સ ઓન ચાઈના (IPAC)ને ચીને નકલી ગણાવ્યું છે. ચીનનું કહેવું છે કે, હવે તેને કોઈ પરેશાન નહીં કરી શકે. ડ્રેગને ધમકીભર્યા અંદાજમાં જણાવ્યું કે, પશ્ચિમના નેતાઓએ કૉલ્ડવૉર વાળા વિચારોથી દૂર રહેવું જોઈએ.

ચીને જણાવ્યું કે, તે 1990ના દાયકાવાળુ ચીન નથી રહ્યું. એ સમયમાં બ્રિટન, અમેરિક, જર્મની, ફ્રાન્સ, રશિયા, જાપાન, ઈટલી અને ઓસ્ટ્રિયા-હંગેરી મળીને 8 નેશન એલાયન્સ બનાવ્યું હતું. ચીનના ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે, આ દેશોની સેનાઓએ બીજિંગ અને અન્ય શહેરોમાં લૂટફાટ મચાવી અને સામ્રાજ્યવાદ વિરૂદ્ધ ચાલી રહેલા યિહેતુઆન આંદોલનને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો.

ક્યાં 8 દેશોનું એલાયન્સ

જણાવી દઈએ કે IPAC અમેરિકા, જર્મની, બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સ્વીડન, નોર્વે અને યુરોપની સંસદના સભ્યો સામેલ છે. આ એલાયન્સનો હેત ચીન સાથે સંકળાયેલા મુદ્દાઓ પર સક્રિયતાથી રણનીતિ બનાવીને સહયોગ સાથે યોગ્ય પ્રતિક્રિયા આપવાનો છે. અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના સેનેટર માર્કો રૂબિયો IPACના સહ-અધ્યક્ષોમાંથી એક છે.

(4:43 pm IST)