Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

વિદ્યાર્થીઓના માતા-પિતાની સ્કુલ ખુલવા સંબંધોની ચિંતાનો આખરે ઉકેલ : ૧પ ઓગષ્ટ બાદ દેશમાં સ્કુલ-કોલેજ ખોલવાની માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલની જાહેરાત

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ સ્કુલો-કોલેજો ખોલવા બાબતે પત્ર દ્વારા રજુઆત બાદ નિર્ણય લેવાયો

નવી દિલ્હીઃ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા – પિતાનાં સપ્તાહનાં ભ્રમ બાદ માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું કે, સ્કૂલો અને કોલેજોને ઓગસ્ટ 2020 બાદ ફરીથી ખોલવામાં આવશે. સંભવતઃ 15 ઓગસ્ટ 2020 બાદ શૈક્ષણિક સંસ્થાઓ ખુલી જશે. ડૉ. રમેશ પોખરિયાલે એક ઇન્ટરવ્યુમાં એ વાત કહેતા જણાવ્યું કે, ’15 ઓગસ્ટ સુધી તમામ પરીક્ષાઓનાં પરિણામો જાહેર કરવાની કોશિશ કરી રહ્યાં છીએ.’

આપને જણાવી દઇએ કે આ સંબંધિત દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એચઆરડી મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકને સ્કૂલ ફરીથી ખોલવા અંગેની યોજના પર પત્ર લખ્યો હતો. આ વાતની જાણકારી તેઓએ ગઇ કાલનાં રોજ ટ્વિટરનાં માધ્યમથી આપી હતી. તેઓએ પોતાનાં પત્રમાં લખ્યું હતું કે, ‘સમય આવી ગયો છે કે કોરોનાનાં સહ અસ્તિત્વને સ્વીકાર કરતા દેશમાં સ્કૂલોની ભૂમિકા નવી રીતે નક્કી કરવામાં આવે..’

આ સાથે જ તેમણે એમ પણ લખ્યું કે, સ્કૂલોને સાહસિક ભૂમિકા માટે તૈયાર નહીં કરવામાં આવે તો આ અમારી ઐતિહાસિક ભૂલ હશે, સ્કૂલોની ભૂમિકા પાઠ્યપુસ્તકો સુધી જ સિમિત નહીં રહે, પરંતુ બાળકોને જવાબદાર જીવન જીવવા માટે તૈયાર કરવી પડશે.

આપને જણાવી દઇએ કે કોરોના વાયરસની મહામારીને કારણે દિલ્હીની તમામ સ્કૂલો-કોલેજો માર્ચ મહીનાથી બંધ છે. ત્યારે એવામાં ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. પરંતુ એ વાતથી પણ મો ના ફેરવાય કે ક્યાંક ને ક્યાંક તો વિદ્યાર્થીઓનાં અભ્યાસ પર પણ નુકસાન થઇ રહ્યું છે.

જાણો મનીષ સિસોદિયાએ પોતાનાં પત્રમાં શું કહ્યું?

કોરોનાની સાથે જીવતા વિશ્વમાં શિક્ષણમાં મોટા ફેરફાર થશે, પોતાની આવશ્યકતા અનુસાર સ્કૂલોનું પુનઃનિર્માણ કરો, આપણે હવે રાહ ના જોઇએ કે અન્ય દેશ કંઇક કરી લે, તો આપણે તેની નકલ કરીએ.

આપણે આપણાં બાળકોને એક ઉત્તમ અને વધારે ખ્યાલ રાખનારી સ્કૂલો આપીએ.

તમામ સ્ટેકહોલ્ડર્સની સાથે સાથે પરામર્શ કરીને સ્કૂલો પોતાની જરૂરિયાત અને સંસાધનોને ધ્યાનમાં રાખતા પોતાની યોજના સ્વયં બનાવી શકે.

હાલમાં સ્કૂલોને સપોર્ટની આવશ્યકતા હશે, બાળકોની જેમ જ શિક્ષણ જગત સાથે જોડાયેલા તમામ લોકો અને સ્કૂલોને પણ શીખવા અને જવાબદાર બનવાની જરૂરિયાત છે.

(4:49 pm IST)