Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

હિન્દુત્વના ગર્ભગૃહમાં પ્રણવ મુખર્જી આજે શું બોલશે ? જબરી ચર્ચા

૪૩ વર્ષ કોંગ્રેસમાં રહેલા પ્રણવ મુખર્જી આજે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં મુખ્ય અતિથિઃ દેશ તથા વિદેશના મિડીયાની પણ આ કાર્યક્રમ ઉપર નજરઃ પહેલો પ્રસંગ છે કે જ્યારે સંઘના શિક્ષા વર્ગને પૂર્વ રાષ્ટ્રપતિ સંબોધન કરવાના હોયઃ કોંગ્રેસ, પ્રણવ મુખર્જીના પુત્રીએ આ કાર્યક્રમમાં સામેલ થવા બદલ તેમનો ઉગ્ર વિરોધ પણ કર્યો છે

નાગપુર, તા. ૭ :. પૂર્વ રાષ્ટ્રપતિ અને ૪૩ વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા પ્રણવ મુખર્જી આજે સંઘના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બની રહ્યા છે. સંઘનો સંઘ શિક્ષા વર્ગ તૃતીય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ૮ વર્ષમાં પહેલીવાર કોઈ રાજકીય વ્યકિત આ કાર્યક્રમમાં સત્તાવાર રીતે ચીફ ગેસ્ટ તરીકે જઈ રહ્યા છે. પ્રણવના આ કાર્યક્રમમાં સામેલ થવા અંગે અનેક સવાલો ઉઠયા છે. રાજકીય પંડીતો માટે પ્રણવનું આ પગલુ રહસ્યમય બન્યુ છે. સમગ્ર ભાજપ જ નહિ પરંતુ સમગ્ર સંઘ પણ આ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહીત છે. આજે તેઓ સંઘના શિક્ષા વર્ગને સંબોધન કરશે. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ સંઘના શિક્ષા વર્ગને સંબોધન કરવાના હોય. તેમના આ સંબોધન ઉપર રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય મિડીયાની પણ નજર છે.

ગઈકાલે સાંજે અહીં આવી પહોંચેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આજે તેઓ સાંજે ૬.૩૦ વાગ્યે કાર્યક્રમમાં સ્વયંસેવકોને સંબોધન કરવાના છે. આ દરમિયાન સંઘના ૭૦૦ સ્વયંસેવકો હાજર રહેશે. સમગ્ર દેશની નજર એ બાબત પર છે કે આખરે આજે પ્રણવ મુખર્જી નાગપુરમાં શું બોલશે. અત્યાર સુધી જે રીતે કોંગ્રેસ સંઘની વિચારધારા અને નીતિનો વિરોધ કરતુ રહ્યુ છે તેવામાં તેના જ એક દિગ્ગજ નેતા સંઘના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બની રહ્યા છે. કોંગ્રેસની પણ નજર પ્રણવ મુખર્જીના પ્રવચન પર રહેશે.

જ્યારથી તેમણે સંઘનું આમંત્રણ સ્વીકાર્યુ હતુ ત્યારથી રાજકીય હલચલ વેગવંતી બની હતી. તેમની પુત્રી સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ આ પગલાનો વિરોધ કર્યો હતો તો સંઘ અને ભાજપ આનો બચાવ કરતા હતા. આજના સમાપન સમારોહમાં સંઘના વડા મોહન ભાગવત મુખ્ય વકતા રહેશે. કોંગ્રેસે જ્યારથી વિરોધ કરવાનું શરૂ કર્યુ ત્યારે પ્રણવ મુખર્જીએ કહ્યુ હતુ કે મારે જે બોલવુ હશે તે નાગપુરમાં બોલીશ.

સંઘના કાર્યકર્તાઓ અને લોકોમાં પણ તે બાબતને લઈને ઉત્સુકતા છે કે પ્રણવજી ભાષણમાં શું સંદેશ આપશે ? અત્રે નોંધનીય છે કે, ૩૦મી મે ના રોજ પ્રણવ મુખર્જીએ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો ત્યારથી જ હિન્દુઓના ગર્ભગૃહમાં જોરશોરથી તૈયારી શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે એરપોર્ટ પર તેમનુ સ્વાગત કરવા સંઘના સંયુકત મહાસચિવ વી. ભાગૈયા સહિતના અનેક વરીષ્ઠ નેતાઓ પહોંચ્યા હતા તેઓ ત્યાંથી રાજભવન ગયા હતા. સમગ્ર શહેરમાં દેશભરથી આવેલા સ્વયંસેવકો જોવા મળી રહ્યા હતા. મોહન ભાગવત પણ આવી પહોંચ્યા છે.

અત્રે નોંધનીય છે સંઘ પોતાના શિક્ષા વર્ગમાં કોઈ એવી વ્યકિતને આમંત્રણ કરે છે કે જે તેની સંસ્કૃતિથી અજાણ કે આલોચક રહ્યા હોય. સંઘ એવી વ્યકિતઓને આમંત્રીત કરી માત્ર સંઘની સંસ્કૃતિથી તેઓને પરીચય કરાવવા માગે છે એટલુ જ નહિ સ્વયં પણ તેમના વિચારોથી લાભાન્વીત થવા માગે છે. ખાસ કરીને એવા સમયમાં કે જ્યારે સંઘના જ રાજકીય અંગ ભાજપની કેન્દ્ર સહિત અનેક રાજ્યોમાં સરકારો છે.(૨-૧)

(11:37 am IST)
  • ૨૦૦૨ના વસુલી મામલે ગેંગસ્ટર અબુ સલેમને ૭ વર્ષની કેદઃ દિલ્હીની તીસ હજારી કોર્ટ સંભળાવી સજા access_time 4:19 pm IST

  • ગૃહમંત્રી રાજનાથસિંહના આજથી શરૂ થયેલ બે દિવસીય જમ્મુ-કાશ્મીર પ્રવાસ દરમિયાન કુપવારામાં પેટ્રોલીંગ પાર્ટી ઉપર આતંકી હુમલોઃ ૨ જવાન ઘાયલ access_time 12:34 pm IST

  • પેટ્રોલ -ડીઝલના ભાવમાં વણથંભ્યો ઘટાડો ચાલુ ;કાલે ગુરુવારે પેટ્રોલ ડીઝલમાં સતત નવમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલ -ડીઝલમાં લીટરે 8થી 10 પૈસાનો વધુ ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,91 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,86 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા આઠ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:21 am IST