Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

હવે એક ડોઝમાં કોરોનાનો ખાતમો : સ્પુતનિક લાઇટ કોરોના વેકિસનને રશિયાએ આપી મંજૂરી

સિંગલ ડોઝવાળી વેકિસનના લાઇટ વર્ઝનથી કોરોનાના રસીકરણ અભિયાનને ગતિ મળશે અને તે મહામારીને ફેલાતી રોકવામાં મદદ કરશે

મોસ્કો,તા.૭: રશિયાની કોરોના વેકિસન સ્પુતનિક વીએ એક નવું વર્ઝન લોન્ચ કર્યુ છે. આ વેકિસનનું નામ સ્પુતનિક લાઇટ રાખવામાં આવ્યું છે અને તેને સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે. આ વેકિસન ૮૦ ટકા સુધી અસરકારક સાબિત થઈ છે. સ્પુતનિક લાઇટનો માત્ર એક ડોઝ કોરોના સામે લડવામાં સક્ષણ ગણાવવામાં આવી રહ્યો છે. આ વેકિસનની ફન્ડિંગ કરનારી રશિયન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) એ એક નિવેદનમાં કહ્યું કે, બે શોટવાળી સ્પુતનિક વી વેકિસનની તુલનામાં સિંગલ ડોઝ વાળી સ્પુતનિક લાઇટ વધુ અસરકારક છે. સ્પુતનિક વી ૯૧.૬ ટકા પ્રભાવી છે જયારે સ્પુતનિક લાઇટ ૭૯.૪ ટકા પ્રભાવી છે.

પરિણામમાં સામે આવ્યું કે ૫ ડિસેમ્બર ૨૦૨૦થી ૧૫ એપ્રિલ ૨૦૨૧ વચ્ચે રશિયામાં ચાલેલા વ્યાપક રસીકરણ અભિયાનમાં આ વેકિસન આપવામાં આવી જેના ૨૮ દિવસ બાદ તેનો ડેટા લેવામાં આવ્યો હતો.

માનવામાં આવી રહ્યું છે કે સિંગલ ડોઝવાળી વેકિસનના લાઇટ વર્ઝનથી કોરોનાના રસીકરણ અભિયાનને ગતિ મળશે અને તે મહામારીને ફેલાતી રોકવામાં મદદ કરશે. આરડીઆઈએફે જણાવ્યું કે, એક ડોઝ રસીની કિંમત ૧૦ ડોલર એટલે કે આશરે ૭૩૭ રૂપિયાથી પણ ઓછી છે. સ્પુતનિક-વીની આ લાઇટ રસીને મોસ્કોના ગમલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે તૈયાર કરી છે.

મહત્વનું છે કે રશિયાની વેકિસનને ૬૦થી વધુ દેશોમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી ચુકી છે. પરંતુ હજુ સુધી યૂરોપીય મેડિસન એજન્સી કે સંયુકત રાજય અમેરિકાના ખાદ્ય અને ઔષધિ પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી નથી.

(10:10 am IST)