Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

પીએમ કેયર્સને લઇ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ આપત્તિ ઉઠાવી

પ્રધાનમંત્રી રાહત ફંડમાં રકમ જમા કરવા સૂચન : પીએમ કેયર્સને લઇ કોંગ્રેસી નેતાઓની નારાજગી સલાહના બહાને સોનિયા ગાંધીએ વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરી

નવી દિલ્હી, તા. ૭  : કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકાર દ્વારા સાંસદોના વેતનમાં ૨૫ ટકા કાપનું સમર્થન કર્યું છે પરંતુ પીએમ કેયર્સ ફંડ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે પીએમ કેયર્સ ફંડની રકમને વડાપ્રધાન આપત્તિ રાહત ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે તે જરૂરી છે. તેમનું કહેવું છે કે, પારદર્શિતા અને વિશ્વસનીયતા માટે આ બાબત કરવામાં આવે તે જરૂરી છે. સામાન્યરીતે તો સોનિયા ગાંધીની આ વાત કોરોના વાયરસ-૧૯ સામે લડવા માટે આપવામાં આવેલા પાંચ સૂચનો પૈકી એક છે પરંતુ હકીકતમાં સોનિયા ગાંધી સહિત તમામ કોંગ્રેસી લોકોને પીએમ કેયર્સ ફંડને લઇને નારાજગી છે. સૂચનોના બહાને સોનિયા ગાંધીએ આની સામે વાંધો ઉઠાવ્યો છે.

         સોનિયા ગાંધીએ કહ્યું છે કે, પીએમ કેયર્સ ફંડની રકમને વડાપ્રધાન રાહત ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે તે જરૂરી છે તેમ કોંગ્રેસી લોકો ઇચ્છે છે. કેન્દ્રીય મંત્રી શશી થરુર અને ઇતિહાસકાર રામચંદ્ર ગુહા પહેલાથી જ પીએમ કેયર્સનો વિરોધ કરી ચુક્યા છે. તેમણે કહ્યું છે કે, જ્યારે પહેલાથી જ વડાપ્રધાન રાષ્ટ્રીય આપત્તિ કોષ છે ત્યારે પીએમ કેયર્સ ફંડ બનાવવાની જરૂર શું છે. શશી થરુરે ટ્વિટ કરીને કહ્યું છે કે, વડાપ્રધાને એક નવો ફંડ બનાવી દીધો છે જેને લઇને નિયમો પણ સ્પષ્ટ નથી. કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું છે કે, પીએમ કેયર્સ પર સવાલ ઉઠે તે સ્વભાવિક છે.

        પીએમએનઆરએફમાં પહેલાથી જ ૩૮૦૦ કરોડ રૂપિયા ખર્ચ વગર પડેલા છે. પહેલા આ રકમનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. નવા ફંડની રચના કરીને તેમાં પૈસા માંગવા જોઇએ નહીં. મોદી સરકાર તરફથી પીએમ કેયર્સ ફંડ શરૂ થવાના એક સપ્તાહના ગાળામાં જ ૬૫૦૦ રૂપિયાથી વધુ રકમ જમા થઇ ચુકી છે. આમા બોલીવુડ સ્ટાર અને અબજોપતિ કારોબારીઓ પણ જંગી રકમ દાનમાં આપી છે. આ ફંડ મારફતે કોરોના સામે જંગ માટે તમામ વ્યવસ્થા કરાઈ છે. કોંગ્રેસના લોકોએ આની સામે પ્રશ્નો કર્યા છે.

(7:52 pm IST)