Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ICICI બેંકના ચંદા કોચરની મુશ્‍કેલીમાં વધારોઃ દેશ છોડીને વિદેશ નહીં જઇ શકે

નવી દિલ્‍હીઃ ICICI બેંક અને વિડીયોકોન ગ્રુપના લોન કૌભાંડ બાદ બેંકના સીઇઓ ચંદા કોચરની મુશ્‍કેલીમાં વધારો થયો છે. ચંદા કોચર, દિપક કોચર, વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધુતને લુક આઉટ નોટિસ ફટકારવામાં આવતા આ ત્રણેય વ્યક્તિઓ દેશ છોડીને વિદેશ નહીં જઇ શકે.

આ કેસમાં સીબીઆઈએ ગુરુવારે ચંદા કોચર અને રાજીવ કોચરની કલાકો સુધી પૂછતાછ કરી હતી. રાજીવ કોચર, ચંદા કોચર અને તેમના પતિ દિપક કોચર કંપની એવીસ્ટા એડવાઈઝરીના સવાલોમાં ઘેરામાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ કંપનીને છેલ્લા ૬ વર્ષમાં સાત કંપનીઓ પાસેથી અંદાજે ૧.૫ અરબ ડોલર વિદેશી મુદ્રા લોનને પુન મેળવવાનું કામ મળ્યું હતું. તેમજ આ બધી કંપનીઓ આઈસીઆઈસીઆઈ બેંકની દેવાદાર પણ હતી. તેમજ એક સોદામાં દેવાદારોની લીડ બેંક પણ આઈસીઆઈસીઆઈ બેંક જ હતી.

ઉલ્લેખનીય છે કે, ICICI બેંકના સીઈઓ ચંદા કોચર પર નાણાકીય ગેરરીતી અને પરિવારવાદ ચલાવવાનો મોટો આરોપ મુકવામાં આવ્યો છે. જેમાં ડિસેમ્બર ૨૦૦૮માં વિડીયોકોન સમૂહના માલિક વેણુગોપાલ ધુત ને બેંક સીઈઓ અને એમ.ડી. ચંદા કોચરના પતિ દિપક કોચર અને અન્ય બે લોકો સાથે મળીને એક કંપની બનાવી હતી.

આ કેસમાં જે કંપની ૬૫ કરોડની હતી તેને ૯ લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી. જેને ૬૪ કરોડની લોન આપવામાં આવી હતી.આ કંપની વેણુગોપાલ ઘૂતની હતી. તેની બાદ આ કંપનીના માલિકી હક્ક માત્ર ૯ લાખ રૂપિયામાં ટ્રસ્ટને સોંપી દેવામાં આવ્યા હતા. જેની કમાનચંદા કોચરના પતિ દિપક કોચર પાસે હતી. જયારે સમાચારોના જણાવ્યા અનુસાર આશ્ચર્યની બાબત એ છે કે દિપક કોચરને આ કંપનીના માલિકી હક્ક વેણુગોપાલ ઘૂતને આઈસીઆઈસીઆઈ બેંકે ૩૨૫૦ કરોડની લોન આપવાના ૬ મહિના બાદ આપવામાં આવ્યા હતા. જેમાં લોનની ૮૬ ટકા રકમ ૨૮૧૦ કરોડ રૂપિયા વર્ષ ૨૦૧૭માં એનપીએ જાહેર કરી દેવામાં આવી હતી. જે રકમ બેંકમાં જમા કરાવવામાં આવી ન હતી. જયારે વર્ષ ૨૦૧૭માં બેંકે વિડીયોકોનના એકાઉન્ટને એનપીએ જાહેર કરી દેવામાં આવ્યું.

આ કેસમાં તપાસ એજન્સી વેણુગોપાલ ઘૂત- દિપક કોચર અને આઈસીઆઈસીઆઈ બેંક વચ્ચેના સબંધોની તપાસ કરવામાં આવી રહી છે. જો કે થોડા સમય પૂર્વે જ સીબીઆઈએ નીરવ મોદીના કેસમાં પણ ચંદા કોચરને સમન્સ આપ્યું હતું.

તો બીજી તરફ આઈસીઆઈસીઆઈ બેંકે પ્રેસ રીલીઝ જાહેર કરીને જણાવ્યું છે કે બેંકને ચંદા કોચર પર પુરતો વિશ્વાસ છે. તેમજ તેમના વિરુદ્ધ પરિવારવાદની અફવા ચાલી રહી છે તેમાં કોઈ સચ્ચાઈ નથી. આ પ્રકારની અફવા બેંકની ઈમેજ બગાડવા માટે ફેલાવવામાં આવી રહી છે.

(7:54 pm IST)