Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

કર્ણાટક : કોંગ્રેસને ટેકો આપવા ધર્મગુરુ તૈયાર

લિંગાયત સમુદાયના ૩૦ ધર્મગુરૂઓની તૈયારી : વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો

બેંગલોર,તા. ૭ : કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની વોટ બેંકમાં ગાબડા પાડવા કોંગ્રેસ દ્વારા ચાલવામાં આવેલી ચાલ સફળ દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીએ લિંગાયત કાર્ડ રમ્યા બાદ ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવાના પ્રસ્તાને મંજુરી આપ્યા બાદ કોંગ્રેસ પાર્ટીને ફાયદો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ભાજપને ફટકો પડી શકે છે. મુખ્યમંત્રીએ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે પરંતુ આ અંગે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ નિર્ણય કરવામા આવે તે પહેલા કર્ણાટકમાં લિંગાયત સમુદાયના ૩૦ પ્રભાવશાળી ગુરુ દ્વારા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. પ્રદેશ સરકારે લિંગાયત સમુદાયને લઘુમતીનો દરજ્જો આપવાનો નિર્ણય કરી લીધો છે. અત્રે નોંધનીય છે કે, કર્ણાટકમાં લિંગાયત સમુદાયની વસ્તી આશરે ૧૮ ટકા છે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પા પણ આ સમુદાય સાથે સંબંધ ધરાવે છે. લિંગાયત સમુદાયના લોકો પહેલા ભાજપ સાથે હતા. પરંતુ કોંગ્રેસ સરકારે લિંગાયત કાર્ડ રમ્યા બાદ ભાજપ માટે મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે. લિંગાયત સમુદાય ૯૦ના દશકથી ભાજપની સાથે છે. ખાસ બાબત એ છે કે, કર્ણાટકમાં વિધાનસભાની ૨૨૪ બેઠકો પૈકી ૧૨૩ બેઠકો પર લિંગાયત સમુદાયનું પ્રભુત્વ રહ્યું છે. હવે ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ જોરદાર ચાલ રમી છે. જેના કારણે લિંગાયત સમુદાયના લોકો કોંગ્રેસની તરફેણમાં દેખાઈ રહ્યા છે. લિંગાયત સમુદાયના કેટલાક ધર્મગુરુનું કહેવુ છે કે, સિદ્ધારમૈયા દ્વારા તેમની માંગણી સ્વીકારવામાં આવી છે જેથી અમે તેમને સમર્થન આપીશું. ધર્મગુરુ માતે મહાદેવીનું કહેવુ છે કે, ઉત્તરીય કર્ણાટકમાં તેમના સમુદાયના લોકો કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપશે. કોંગ્રેસને લિંગાયત સમુદાયના લોકો મત આપશે કે કેમ તે અંગે પુછવામાં આવતા જાણકાર નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે, કોંગ્રેસ પાર્ટીને કર્ણાટકમાં પરાજિત કરવાની બાબત ભાજપ માટે ખુબ મુશ્કેલરૂપ રહેશે. ભાજપ પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ તાકત લગાવી ચુક્યા છે.

કોંગ્રેસ પાસે હવે એક માત્ર મોટુ રાજ્ય હાથમાં રહ્યું છે જેને જાળવી રાખવા માટે કોંગ્રેસ ખુબ જ મક્કમ છે. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં જીત મેળવવા માટે તમામ પાસા અજમાવી રહ્યું છે.

(7:46 pm IST)