Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

સલમાન કયા કેસમાં નિર્દોષ

કાળા હરણ શિકાર કેસમાં હવે જામીન મળ્યા

         જોધપુર, તા. ૭ : કાળા હરણ શિકારના મામલામાં બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનને જોધપુરની કોર્ટે આજે આખરે શરતી જામીન આપી દેતા તેના કરોડો ચાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ કેસમાં સલમાનને પાંચ વર્ષની સજા કરવામાં આવ્યા બાદ બોલિવુડમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું પરંતુ આજે સલમાનને શરતી જામીન મળી ગયા હતા. આની સાથે જ મોડી સાંજે સલમાન જેલમાંથી મુક્ત થયો હતો અને મુંબઈ પરત ફર્યો હતો. સલમાન ખાન અગાઉ પણ કાયદાકીય સંકજામાં આવતો રહ્યો છે અને પહેલા પણ જેલની સજા ભોગવી ચુક્યો છે. સલમાન ખાન હજુ સુધી આર્મ્સ એક્ટ ૧૯૯૮, ૧૯૯૮ ચિંકારા શિકાર કેસ અને હિટ એન્ડ રન કેસમાં પણ નિદોર્ષ છુટી ચુક્યો છે. આજે સલમાનને કાળા હરણ શિકાર કેસમાં પણ શરતી જામીન મળી ગયા હતા. સલમાન ખાન કયા કેસમાં નિદોર્ષ છુટ્યો છે અને કયા કેસમાં જામીન પર છે તે નીચે મુજબ છે.

*    સપ્ટેમ્બર ૧૯૯૮ના કાળા હરણ કેસમાં સલમાનને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની સજા જોધપુરની કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. જોધપુરની સેંસન્સ કોર્ટે પાંચ વર્ષની સજા અને ૧૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યા બાદ આની સામે જામીન અરજી કરવામાં આવી હતી. સલમાન ખાનને  પાંચમી એપ્રિલના દિવસે દોષિત જાહેર કરી સજા કરવામાં આવ્યા બાદ આજે સાતમી એપ્રિલના દિવસે સલમાન ખાનને શરતી જામીન મળી ગયા હતા.

*    આર્મ્સ એક્ટ ૧૯૯૮ : ઓક્ટોબર ૧૯૯૮માં પોલીસે સલમાનની સામે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ૦.૨૨ની રાયફલ અને ૦.૩૨ રિવોલ્વર રાખવા અને બે કાળા હરણને મારી નાંખવાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં ૧૮મી જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે જોધપુર કોર્ટે તેને નિર્દોષ છોડ્યો હતો

*    ૧૯૯૮ ચિંકારા શિકાર કેસ : સલમાન પર બે મામલામાં ચિંકારાના શિકારનો આરોપ હતો. રાજસ્થાનના ભવાદ ગામમાં બે ચિંકારાના શિકાર કર્યા હતા. જો કે, ૨૫મી જુલાઈ ૨૦૧૬ના દિવસે રાજસ્થાન હાઈકોર્ટે ચિંકારા કેસમાં સલમાનને નિર્દોષ છોડ્યો હતો

*    હિટ એન્ડ રન કેસ : હિટ એન્ડ રન કેસમાં બાંદરામાં લેન્ડક્રુઝર કાર ફુટપાથ પર ઉંઘતા લોકો પર ચઢાવી દેવાના મામલામાં એકનું મોત થયું હતું. મે ૨૦૧૫માં સલમાનને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની સજા કરી હતી પરંતુ ડિસેમ્બર ૨૦૧૫માં હાઈકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો

(7:44 pm IST)