Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

વેઈટલીફટરો છવાયા : સતીષ શિવલીંગમને ગોલ્ડ

આજે ત્રીજા દિવસે પુરૂષોની ૭૭ કિ.ગ્રા. કેટેગરીમાં ભારતને વધુ એક ગોલ્ડ : ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત ભારત ત્રીજા સ્થાને : નરેન્દ્રભાઈએ ખેલવીરોને શુભેચ્છા પાઠવી

ગોલ્ડકોસ્ટ, તા. ૭ : ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮માં ભારતીય એથ્લેટોએ શાનદાર શરૂઆત કરી છે. આજે ત્રીજા દિવસે વેઈટલીફટર સતીષ શિવલીંગમે પુરૂષોના ૭૭ કિ.ગ્રા.ની કેટેગરીમાં ભારતને વધુ એક ગોલ્ડ અપાવ્યો છે. આ સાથે જ ભારત ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત કુલ પાંચ મેડલ મળી ગયા છે. ભારતે આ તમામ મેડલો વેઈટલીફટીંગમાં જીત્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ ખેલવીરોને અભિનંદન પાઠવ્યા હતા.

આજે સવારે ભારતના વેઈટલીફટરે વધુ એક ગોલ્ડ અપાવતા બે સ્થાન કૂદકો મારી ત્રીજા સ્થાને પહોંચી ગયુ છે. વેઈટલીફટીંગની સાથોસાથ અન્ય રમતોમાં પણ ભારતને મેડલો મળે તેવી રમતપ્રેમીઓને આશા છે. ૧૨ દિવસ સુધી ચાલનારા કોમનવેલ્થ ગેમ્સમાં આજે ભારતીય રમતવીરો કેવું પ્રદર્શન કરે છે તેના પર મીટ મંડાઈ છે.દરમિયાન ભારતીય મહિલા ટેબલ ટેનિસની ટીમે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે મલેશીયાને ૩-૦થી હરાવ્યુ હતું. કવાર્ટર ફાઈનલમાં મનિકા બત્રાએ ૧૧-૦, ૧૧-૭, ૧૧-૭થી જીત મેળવી લીડ અપાવી હતી. બાદ ડબલ્સમાં મોમા દાસ અને મધુરીકા પાટકરની જોડીએ જીન તી અને પીંગની જોડીને ૧૧-૮, ૧૦-૧૨, ૧૧-૮, ૧૧-૭થી હરાવી ૩-૦થી વિજેતા બન્યા હતા.

(3:24 pm IST)