Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

સુપ્રીમ કોર્ટે હોસ્પિટેલિટી ફર્મ પ્રકરણમાં ‌હરિયાણા અને રાજસ્‍થાનમાં જમીન સોદામાં થયેલા ફાયદા સંદર્ભે અરજી ફગાવી દીધી

નવી દિલ્‍હીઃ સુપ્રીમ કોર્ટે રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલી એક હોસ્પિટેલિટી ફર્મની અરજી નામંજૂર કરી છે. આ ફર્મ દ્વારા હરિયાણા અને રાજસ્થાનમાં જમીન સોદામાં થયેલા ફાયદા સંદર્ભે 2010-11ના કર આકલનને ફરીથી કરવાની ઈન્કમટેક્સ વિભાગની નોટિસને પડકારવામાં આવી હતી. દિલ્હી ખાતેની સ્કાઈ લાઈટ હોસ્પિટેલિટી એલએલપીએ ઈન્કમટેક્સ નોટિસ વિરુદ્ધની અરજી હાઈકોર્ટમાં નામંજૂર થયા બાદ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જસ્ટિસ એ. કે. સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે કરેલી ટૂંકી સુનાવણી બાદ હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો. ઈન્કમટેક્સ વિભાગે ટેક્સ ચોરી સંદર્ભે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. ઈન્કમટેક્સ વિભાગનું કહેવું હતું કે તેમની પાસે એવું માનવા માટે પુરતા કારણ છે કે 2010-11માં આ ફર્મ દ્વારા 35 કરોડ રૂપિયાથી વધુની રકમને ટેક્સના આકલનથી બચાવવાની કોશિશ કરવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે આ કારણો પર વિચારણા કરાયા બાદ તેઓ એ બાબતથી સંતુષ્ટ છે કે આમા નોટિસ જાહેર કરવાની જરૂરત છે. ફર્મ દ્વારા હાઈકોર્ટમાં ઈન્કમટેક્સ વિભાગની નોટિસને પડકારતી વખતે દલીલ આપવામાં આવી હતી કે અનુમાન લગાવવાનું કારણ માત્ર શંકા છે અને તેઓ એ સાબિત કરતા નથી કે આવકનું આકલન છૂપાવવામાં આવ્યું છે. અદાલતે કહ્યું હતું કે નોટિસને ન્યાયોચિત્ત ઠેરવવાના પુરાવા અને સામગ્રી રેકોર્ડમાં છે.

(9:38 am IST)