Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

વ્યાસપીઠનું લક્ષ્ય સમાજનાં છેવાડાના માનવીઓ છે : પૂ. મોરારીબાપુના આર્શિવાદથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ રામકથામાં ૯પ ગરીબ હિન્દુ-મુસ્લિમ દિકરીઓના લગ્ન-નિકાહ

રાજકોટ :  યસ્યાં કે ચ વિભાતિ ભૂધર સુતા, દેવા પગા મસ્તકે...કુર્યાત સદા મંગલમ...આજે હું મારી આ ૯૫ દીકરીઓ માટે સૌ પ્રથમ મંગલાષ્ટક ગાઉં અને પછી એમનો લગ્નની વિધિ સંપન્ન થાય... આ ઉદ્દગારો છે પૂ. મોરારિબાપુના. હાલમાં ઉત્ત્।રપ્રદેશના પ્રયાગરાજ ખાતે પૂજય મોરારિબાપુની રામકથા ચાલી રહી છે. તારીખ ૨માર્ચનાં રોજ આ કથાના યજમાન શ્રી.મદનજી પાલીવાલની દીકરીનો લગ્નોત્સવ વ્યાસપીઠ સન્મુખ રામકથાના મંડપમાં યોજાયો હતો. એ વખતે બાપુએ એમનાં હૃદયનો ભાવ વ્યકત કરતાં યજમાનને એવી અપીલ કરી હતી કે આ કથા વિરામ પામે એ પહેલાં તારીખ ૭/૦૩/૨૦૨૦ ને દિવસે પ્રયાગરાજ અને તેની આસપાસના વિસ્તારોમાં જે કોઈ વંચિત પરિવારો હોય તેની દીકરીઓનાં લગ્ન કથા મંડપમાં યોજાય.  પૂ. મોરારીબાપુની આ અપીલને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો અને એ રીતે કુલ ૯૫ દીકરીઓએ પ્રયાગરાજની આ રામકથામાં પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. સંગમ ખાતે, અક્ષયવટના નિવાસીઓ, નાવ ચલાવનારા, મજુરી કરનારા અનેક પિતાઓની પુત્રીઓ આ તકે કથા મંડપમાં પરણી છે. જયારે વિધિવત રીતે, સંસ્કૃત શ્લોકોના મંત્રોચ્ચાર સાથે, બેન્ડ વાજાં વાગ્યા ત્યારે સમગ્ર કથા મંડપમાં દિવ્ય એવું ભાવવાહી વાતાવરણ સર્જાયું હતું. ઉલ્લેખનીય છે કે આ વંચિત પરિવારોની પુત્રીઓ જે વ્યાસપીઠની સમક્ષ લગ્ન કરી રહી છે એમાં એક મુસ્લિમ પરિવારની દીકરી તથા એક સ્થાનિક ગણિકાની પુત્રીનો પણ સમાવેશ થાય છે. મુસ્લિમ દીકરીનાં નિકાહમાં સ્થાનિક મૌલાના પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ દીકરીઓને, વરને આ મંગલ પ્રસંગે કથાનાં યજમાન તરફથી પ્રત્યેકને રૂપિયા ૭૫ હજારની રાશી પણ આપવામાં આવેલ છે. વ્યાસપીઠ ઈચ્છે છે કે તે હમેશાં વંચિતો સુધી, છેવાડાના માનવીઓ સુધી પહોંચે. વ્યાસપીઠનું એક મહત્વનું કાર્ય છે સૌનો સ્વીકાર. સમાજની અંતિમ વ્યકિતઓને આદર સાથે સમાજના મુખ્ય પ્રવાહમાં સમીલિત કરવા વ્યાસપીઠ સદૈવ પ્રયત્નશીલ છે. આવો હૃદયભાવ આ ઐતિહાસિક ક્ષણે પૂ. મોરારિબાપુએ વ્યકત કર્યો હતો.

(3:50 pm IST)